<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

સિંગિંગ રિયાલિટી શોની પ્રોડક્શન ટીમ ઘણીવાર તેના પર એવા કપડાં પહેરવાનું દબાણ કરતી હતી જેનાથી તેનું પેટ ખુલ્લું પડે : 'પડુથા તીયાગા' જેવા રિયાલિટી શોના ગાયિકા પ્રવાસ્તિ આરાધ્યાએ સંગીત ઉદ્યોગની હસ્તીઓ પર ગંભીર આરોપો લગાવ્યા

રિયાલિટી શોમાં જજ તરીકે દેખાતા ત્રણ સંગીતકારો પર અપમાનજનક ટિપ્પણીઓ અને પક્ષપાત દ્વારા તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી તા.૨૨ :ગાયિકા પ્રવાસ્તિ આરાધ્યાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે રિયાલિટી શોમાં જજ તરીકે દેખાતા ત્રણ સંગીતકારો પર અપમાનજનક ટિપ્પણીઓ અને પક્ષપાત દ્વારા તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે.

 સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. 'પડુથા તીયાગા' જેવા રિયાલિટી શોમાં જોવા મળેલી ગાયિકા પ્રવાસ્તિ આરાધ્યાએ સંગીત ઉદ્યોગની હસ્તીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. આમાં ઓસ્કાર વિજેતા સંગીતકાર એમએમ કીરવાની, ગીતકાર ચંદ્રબોઝ અને ગાયિકા સુનિતાના નામનો સમાવેશ થાય છે. ગાયિકા પ્રવાસ્તિ આરાધ્યાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે રિયાલિટી શોમાં જજ તરીકે દેખાતા ત્રણ સંગીતકારો પર અપમાનજનક ટિપ્પણીઓ અને પક્ષપાત દ્વારા તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે .

ગાયિકા પ્રવાસ્તિ આરાધ્યાએ દાવો કર્યો છે કે, ઓસ્કાર વિજેતા સંગીતકાર એમએમ કીરાવનીએ તેમને કીરવાનીના ગીતો ગાયા ત્યારે જ ઉચ્ચ ગુણ આપ્યા હતા. ગાયિકા પ્રવાસ્તિ આરાધ્યાએ ખુલાસો કર્યો છે કે, જ્યારે તેણે શોમાં લગ્નોમાં પર્ફોર્મ કરવા વિશે વાત કરી ત્યારે કીરવાનીએ જવાબ આપ્યો કે, તે આવા ગાયકોને નફરત કરે છે.

દક્ષિણ ભારતના પ્રખ્યાત ગીતકાર ચંદ્ર બોઝ અંગે ગાયિકા પ્રવાસ્તિ આરાધ્યાએ આરોપ લગાવ્યો છે કે, તેમણે પણ તેમના ગીતોના સંદર્ભમાં સ્પર્ધકોની તરફેણ કરી હતી. પ્રવાસ્તિ આરાધ્યાના મતે શોમાં એમએમ કીરાવની અને ચંદ્રબોઝ પક્ષપાતી જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેમણે ગાયિકા સુનિતા પર અપમાનજનક ટિપ્પણીઓ કરીને માનસિક રીતે હેરાન કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

પ્રવાસ્તિ આરાધ્યાએ તેના વીડિયોમાં દાવો કર્યો છે કે, સિંગિંગ રિયાલિટી શોની પ્રોડક્શન ટીમ ઘણીવાર તેના પર એવા કપડાં પહેરવાનું દબાણ કરતી હતી જેનાથી તેનું પેટ ખુલ્લું પડે. આવી પરિસ્થિતિઓમાં તે ખૂબ જ અસ્વસ્થતા અનુભવતી હતી. તેમણે કહ્યું કે, રિયાલિટી શોમાં ઘણી બધી એવી બાબતો બને છે જેમાં તમે સહજ નથી હોતા.

એમએમ કીરાવની એક પ્રખ્યાત ભારતીય સંગીતકાર, ગાયક અને ગીતકાર છે. તેમણે તેલુગુ, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓની ફિલ્મોમાં પોતાનું અદ્ભુત સંગીત આપ્યું છે. એમએમ કીરાવનીએ 1990માં દક્ષિણ ફિલ્મોથી પોતાની સંગીત કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે 'બાહુબલી' શ્રેણી અને 'RRR' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં પોતાના અદ્ભુત સંગીતથી લોકોના દિલ જીતી લીધા છે. મળતી માહિતી મુજબ તેમને વર્ષ 2023 માં ફિલ્મ 'RRR' ના 'Natu Natu' ગીત માટે ગોલ્ડન ગ્લોબ અને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે.

(3:52 PM IST)