<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

પહેલગામમાં આતંકવાદી હુમલો : મૃત્યુઆંક ૨૭ થયો : ગૃહમંત્રી અમિતભાઈ શાહ તાત્કાલિક જમ્મુ-કાશ્મીર જવા રવાના : હુમલા પાછળ આતંકવાદી સંગઠન ટીઆરએફનો હાથ હોવાની આશંકા

અનંતનાગ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે એક સમર્પિત હેલ્પ ડેસ્ક સ્થાપિત કરવામાં આવ્યો : બે વિદેશી નાગરિક સહિત ૨૭ લોકોના મોત થયા અને ૨૦થી વધુ ઘાયલ : ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એમવી સુચિન્દ્ર કુમાર પણ નવી દિલ્હીથી જમ્મુ-કાશ્મીરના શ્રીનગર જવા રવાના

શ્રીનગર : જમ્મુ - કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવીને એક મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં અત્યાર સુધીમાં ૨૭ લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે ૨૦થી વધુ પ્રવાસીઓ ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ હુમલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તાત્કાલિક જમ્મુ-કાશ્મીર જવા રવાના થઈ ગયા છે. હુમલામાં ઘાયલ થયેલા કેટલાક લોકોની હાલત અત્યંત ગંભીર જણાવવામાં આવી રહી છે. માહિતી અનુસાર, પહેલગામના બૈસરન વિસ્તારમાં પહેલાથી છુપાયેલા આતંકવાદીઓએ પ્રવાસીઓ પર આડેધડ ગોળીઓ ચલાવી હતી.

ઉત્તરી સેનાના કમાન્ડર શ્રીનગર જવા રવાના:
ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એમવી સુચિન્દ્ર કુમાર પણ નવી દિલ્હીથી જમ્મુ-કાશ્મીરના શ્રીનગર પહોંચી રહ્યા છે. તેમને સ્થાનિક કમાન્ડરો દ્વારા કાશ્મીર ખીણમાં હાલની સુરક્ષા સ્થિતિ વિશે માહિતી આપવામાં આવશે. તેઓ એક કોન્ફરન્સ માટે નવી દિલ્હીમાં હતા.

પ્રવાસીઓ માટે હેલ્પ ડેસ્ક શરૂ - અનંતનાગ પોલીસ કંટ્રોલ રૂમમાં સહાયતા અને માહિતી માટે સંપર્ક કરો:
આતંકવાદી હુમલાને પગલે મુશ્કેલીમાં મુકાયેલા અથવા માહિતી મેળવવા ઈચ્છતા પ્રવાસીઓની સહાયતા માટે અનંતનાગ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે એક સમર્પિત હેલ્પ ડેસ્ક સ્થાપિત કરવામાં આવ્યો છે.

સંપર્કની વિગતો નીચે મુજબ છે:
9596777669
01932225870
વોટ્સએપ: 9419051940


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શોક વ્યક્ત કર્યો:
આ આતંકવાદી હુમલા પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, "જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલો આતંકવાદી હુમલો ચોંકાવનારો અને દુઃખદ છે. આ એક ઘાતકી અને અમાનવીય કૃત્ય છે, જેની સખત નિંદા થવી જોઈએ. નિર્દોષ નાગરિકો, આ કિસ્સામાં પ્રવાસીઓ પર હુમલો કરવો અત્યંત ભયાનક અને અક્ષમ્ય છે. હું તેમના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું."

બે વિદેશી નાગરિકોના મોતની ખબર:
આ આતંકવાદી હુમલામાં વધુ એક દુઃખદ માહિતી સામે આવી છે કે તેમાં બે વિદેશી નાગરિકોના પણ મોત થયા હોવાના અહેવાલ છે. જો કે, હજુ સુધી આ સમાચારની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. મૃત્યુ પામનાર બે વિદેશી નાગરિકોમાં એક ઇઝરાયેલ અને એક ઇટાલીનો નાગરિક હોવાનું કહેવાય છે.

વડાપ્રધાન મોદીએ આપ્યા કડક નિર્દેશ:
આ હુમલા પર સખત પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "હું જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. આ જઘન્ય કૃત્ય પાછળ જે લોકો છે તેમને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. તેમને બક્ષવામાં નહીં આવે! તેમનો નાપાક એજન્ડા ક્યારેય સફળ નહીં થાય. આતંકવાદ સામે લડવાનો અમારો સંકલ્પ અડગ છે અને તે વધુ મજબૂત થશે."

હુમલાખોરો સેનાની વર્દીમાં હતા:
હાલમાં આ હુમલામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાની માહિતી મળ્યા બાદ તરત જ ઘટના સ્થળે પહોંચેલી સુરક્ષા દળોની ટીમે સમગ્ર વિસ્તારને ખાલી કરાવીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. માહિતી અનુસાર, બે થી ત્રણ હુમલાખોરો પોલીસની વર્દીમાં હતા અને આ હુમલા પાછળ આતંકવાદી સંગઠન ટીઆરએફનો હાથ હોવાની આશંકા છે.

વડાપ્રધાને અમિતભાઈ શાહને કર્યો ફોન:
વડાપ્રધાન મોદીએ પહેલગામ આતંકવાદી હુમલા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે ફોન પર વાતચીત કરી અને તેમને તમામ યોગ્ય પગલાં લેવા જણાવ્યું. વડાપ્રધાને કેન્દ્રીય ગૃહમંત્રીને ઘટનાસ્થળની મુલાકાત લેવા પણ કહ્યું. જણાવી દઈએ કે હાલમાં વડાપ્રધાન મોદી સાઉદી અરેબિયાના પ્રવાસે છે.

ઉમર અબ્દુલ્લા શ્રીનગર પહોંચ્યા:
આ ઘટના પર પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર લખ્યું કે, હું સ્તબ્ધ છું. પ્રવાસીઓ પર આ હુમલો એક ઘૃણાસ્પદ કૃત્ય છે. આ હુમલાના ગુનેગારો નફરતને પાત્ર છે. નિંદા માટે કોઈ શબ્દ પૂરતો નથી. હું મૃતકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. તેમણે કહ્યું કે મેં શકીના ઇટ્ટુ સાથે વાત કરી છે અને તે ઘાયલો માટે વ્યવસ્થાની દેખરેખ રાખવા હોસ્પિટલ ગઈ છે. હું તાત્કાલિક શ્રીનગર પાછો જઈ રહ્યો છું.

 

(8:04 PM IST)