<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

સોનામાં વિક્રમી તેજી બાદ ૩૦૦૦ રૂા.નો કડાકો

સોનું ૧૦ ગ્રામનો ભાવ ૧,૦ર,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૯૯,૦૦૦ રૂા. થઇ ગયા : ગઇકાલે સોનાના ભાવે ૧,૦૩,૦૦૦ સર્વોચ્‍ચ સપાટી સર કર્યા બાદ ભાવમાં ઘટાડો

 

રાજકોટ, તા., ર૩: સોનામાં  વિક્રમી તેજી બાદ આજે ભાવમાં ૩૦૦૦ રૂપીયાનું ગાબડુ પડતા સોનાના ભાવે ૧ લાખની સપાટી ગુમાવી દીધી છે. સોનાના ભાવે ગઇકાલે ૧,૦૩,૦૦૦ની સર્વોચ્‍ચ સપાટી સર કર્યા બાદ ગત રાતથી ભાવમાં ઘટાડો થયો હતો.

બુલીયન માર્કેટમાં આજે બજારો ખુલતાની સાથે સોનામાં ૩૦૦૦ રૂપીયા તૂટયા હતા. ગઇકાલે રાત્રે  સોનુ ૧૦ ગ્રામના ભાવ ૧,૦ર,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૯૯,૦૦૦ રૂપીયા થઇ ગયા હતા. સોનાના બિસ્‍કીટમાં એક જ ઝાટકે ૩૦,૦૦૦ રૂા.નો તોતીંગ કડાકો થયો હતો. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૦,ર૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૯,૯૦,૦૦૦ થયા હતા.

ગઇકાલે  સોનામાં તેજીના તરખાટના પગલે સોનાના  ભાવે ૧,૦૩,ં૦૦૦ ની સર્વોચ્‍ચ સપાટી બનાવ્‍યા બાદ ૧૦૦૦ રૂા.નો ઘટાડો થયો હતો. ત્‍યાર બાદ ગઇકાલે રાત્રે ૧,૦ર,૦૦૦ રૂપીયા હતા તે ઘટીને આજે ૯૯,૦૦૦ રૂપીયા થઇ ગયા છે.

સોનામાં વિક્રમી તેજીની હારમાળા બાદ આજનો ઘટાડો પ્રત્‍યાઘાતી હોવાનું અને આગામી દિવસોમાં હજુ પણ સોનાના ભાવમાં નવી સપાટી જોવા મળશે તેમ વેપારી સુત્રોએ  જણાવ્‍યું હતું.

જયારે ચાંદીના ભાવમાં કોઇ ફેરફાર નથી.  ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૯૮,પ૦૦ રૂપીયા છે. (૪.૨૩)

(2:53 PM IST)