News of Wednesday, 23rd April 2025
પહેલગામ હુમલો :ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ આજે સાંજ સુધીમાં લાવવાની વ્યવસ્થા : કલેક્ટરે ઉંડી સંવેદના વ્યક્ત કરી
મૃતકોના મૃતદેહને સન્માનપૂર્વક ભાવનગર લાવવા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી કાર્યવાહી પૂર્ણ

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ હુમલા ભાવનગરના જે પિતા-પુત્રનું મોત છે. તેમના મૃતદેહને આજે સાંજ સુધીમાં ભાવનગર લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ અંગે જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ બંસલે માહિતી આપી હતી.
ડૉ. મનીષ બંસલે જણાવ્યું હતું કે મૃતકોના મૃતદેહને સન્માનપૂર્વક ભાવનગર લાવવા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત, હુમલા સમયે અન્ય જે યાત્રિકો પણ ત્યાં હાજર હતા અને ભાવનગર પરત ફરવા ઈચ્છે છે, તેઓને પણ સુરક્ષિત રીતે લાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. અપેક્ષા છે કે આજે સાંજ સુધીમાં આ તમામ યાત્રિકો ભાવનગર પહોંચી જશે.
ભાવનગર જિલ્લાના 17 નાગરિકોને પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ હુમલાનો ભોગ બનનાર ભાવનગરના મૃતક સ્મિત પરમાર અને યતિષ પરમારના પાર્થિવ દેહ ને આજે મુંબઈ લાવવામાં આવશે અને ત્યારબાદ મુંબઈથી ભાવનગર લાવવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે. ભાવનગરના પ્રવાસી વિનોદભાઇ ડાભી આ હુમલામાં ઘાયલ થતાં ત્યાંની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ડૉ. બંસલે જણાવ્યું કે જિલ્લા વહીવટી તંત્ર પીડિત પરિવારોની સાથે છે અને તેમને શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. તેમણે આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા યતીશ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. સમગ્ર ભાવનગર શહેર આ દુઃખની ઘડીમાં શોકમગ્ન છે અને પીડિત પરિવારને સાંત્વના પાઠવી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા મૃતદેહોના અંતિમ સંસ્કારની વ્યવસ્થામાં પણ સહયોગ કરવામાં આવશે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
