<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

પહેલગામ આતંકી હુમલામાં અવસાન પામેલ શૈલેષભાઈ કળથિયાનો પાર્થિવ દેહ, મોડી રાત્રે સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યો : નેતાઓ અને નગરજનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ

સાંસદ સી. આર. પાટીલ અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ પરિવારને સાંત્વના આપી : આજે સવારે 7 વાગે શૈલેષનાભાઈના નિવાસસ્થાને અંતિમ સંસ્કાર વિધિની તૈયારી

સુરત, તા. 23 એપ્રિલ 2025: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા નિર્મમ આતંકી હુમલામાં અવસાન પામેલ શૈલેષભાઈ કળથિયાનો પાર્થિવ દેહ આજે સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યો. આ શોકદાયક પ્રસંગે સુરતના સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા સી. આર. પાટીલ, ગુજરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સ્થાનિક રાજકીય આગેવાનો, સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ અને પરિવારજનો એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા. આ ઘટનામાં શૈલેષભાઈ સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા હતા, જેનાથી સુરત શહેર અને શૈલેષભાઈના પરિવારમાં ગમગીનીનું વાતાવરણ છવાઈ ગયું છે.

એરપોર્ટ પર શૈલેષભાઈના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પવા માટે મોટી સંખ્યામાં નગરજનો ઉમટ્યા હતા. સાંસદ સી. આર. પાટીલે આ ઘટનાને આતંકવાદનું નિર્દય કૃત્ય ગણાવીને તેની નિંદા કરી હતી. મંત્રી હર્ષ સંઘવીએ પણ આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કરીને પરિવારને દરેક પ્રકારની સહાયની ખાતરી આપી.

શૈલેષભાઈનો પાર્થિવ દેહ એરપોર્ટથી સીધો સુરતની સ્વીમેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો, જ્યાં પોસ્ટમોર્ટમ માટે તેને હોસ્પિટલના કોલ્ડ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવ્યો છે. હોસ્પિટલના સૂત્રો અનુસાર, આજે સવારે 7 વાગ્યે પાર્થિવ દેહ શૈલેષનાભાઈના નિવાસસ્થાને લઈ જવામાં આવશે. ત્યાં અંતિમ સંસ્કારની વિધિની તૈયારીઓ શરૂ કરવામાં આવશે. અંતિમ સંસ્કાર પહેલાં પરિવારજનો, મિત્રો અને સ્થાનિક લોકો શૈલેષભાઈને શ્રદ્ધાંજલિ આપવા એકઠા થશે.

આ આતંકી હુમલાએ સુરતના નાગરિકોમાં ઊંડો આઘાત અને શોક ફેલાવ્યો છે. સ્થાનિક નાગરિકો, સામાજિક સંગઠનો અને વેપારી મંડળોએ આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે. સ્થાનિક આગેવાનોએ શૈલેષભાઈના પરિવારને ભાવનાત્મક ટેકો આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

આ ઘટનાએ સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે આક્રોશની લાગણી જન્માવી છે. સુરતના નાગરિકોએ સરકાર પાસે માંગ કરી છે કે આવા આતંકી હુમલાઓને રોકવા માટે કડક પગલાં લેવામાં આવે. સાથે જ, આવા હુમલાઓના ગુન્હેસરોને શોધીને સખત સજા કરવાની માંગ પણ ઉઠી છે.

(6:43 AM IST)