<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

ચાલો...ભાગો અમારા દેશમાંથીઃ મધરાત્રે કહેણ

વિદેશ મંત્રાલયે અડધી રાત્રે પાકિસ્‍તાની ડિપ્‍લોમેટને બોલાવી મોદીનો સંદેશ આપ્‍યો

નવી દિલ્‍હી,તા.૨૪: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે મધ્‍યરાત્રિએ પાકિસ્‍તાનને મોટો ઝટકો આપ્‍યો છે. વિદેશ મંત્રાલયે પાકિસ્‍તાનના કાર્યકારી હાઈ કમિશનર સાદ અહેમદ વારૈચને સાઉથ બ્‍લોક બોલાવ્‍યા અને સ્‍પષ્ટ શબ્‍દોમાં પાકિસ્‍તાનને ફટકાર લગાવી. સંયુક્‍ત સચિવ (PAI) એ પાકિસ્‍તાની રાજદ્વારીને કહ્યું કે ભારત ત્રણ પાકિસ્‍તાની લશ્‍કરી રાજદ્વારીઓને પર્સોના નોન ગ્રેટા જાહેર કરી રહ્યું છે, જેનો અર્થ એ છે કે તેઓ હવે ભારતમાં રહી શકશે નહીં. ભારતે રાતના અંધારામાં પાકિસ્‍તાનને કડક સંદેશ આપ્‍યો છે કે જો તમે આતંકવાદનું કાવતરું ઘડશો તો તમારે તેની કિંમત ચૂકવવી પડશે. પાકિસ્‍તાનને સત્તાવાર રીતે કહેવામાં આવ્‍યું છે કે આ ત્રણ રાજદ્વારીઓએ તાત્‍કાલિક દેશ છોડી દેવો જોઈએ.

તે જ સમયે, કેન્‍દ્ર સરકારે જમ્‍મુ અને કાશ્‍મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે ૨૪ એપ્રિલે સર્વપક્ષીય બેઠક બોલાવવાનો નિર્ણય લીધો છે. આ બેઠકની અધ્‍યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કરશે. સર્વપક્ષીય બેઠકમાં હુમલા પછીની પરિસ્‍થિતિ, સુરક્ષા પગલાં અને ભવિષ્‍યની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. જેમાં તમામ પક્ષોના નેતાઓ ભાગ લેશે

ભારતે ૫-મુદ્દાની કાર્ય યોજના જાહેર કર્યાના કલાકો પછી, પાકિસ્‍તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે રાષ્‍ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી. આ બેઠક ગુરુવાર, ૨૪ એપ્રિલના રોજ યોજાવાની છે. આ જાહેરાત પાકિસ્‍તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ X પર કરી હતી, જેમાં તેમણે પુષ્ટિ આપી હતી કે રાષ્‍ટ્રીય સુરક્ષા ચર્ચાનો મુખ્‍ય વિષય રહેશે. તેમણે લખ્‍યું, ભારત સરકારના નિવેદનનો જવાબ આપવા માટે વડા પ્રધાન મોહમ્‍મદ શાહબાઝ શરીફે ૨૪ એપ્રિલ, ગુરુવાર સવારે રાષ્‍ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી છે.

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના એક દિવસ પછી, વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ બુધવારે સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકની અધ્‍યક્ષતા કરી. આ બેઠક બે કલાકથી વધુ ચાલી. આ બેઠકમાં કેન્‍દ્રીય ગળહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને વિદેશમંત્રી એસ જયશંકર હાજર રહ્યા હતા. પહેલગામ આતંકવાદી હુમલાને પગલે, પીએમ મોદીએ સાઉદી અરેબિયાની બે દિવસીય મુલાકાત ટૂંકાવી દીધી અને બુધવારે સવારે દિલ્‍હી પરત ફર્યા.(૪૦.૧૨)

(4:19 PM IST)