<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

પહેલગામ આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રના નિધન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદના : શોકગ્રસ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ભાવનગરના યતીશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિતના મૃતદેહો મોડી રાત્રે ભાવનગર લવાયા : કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓ સહિત સ્થાનિક અગ્રણીઓએ પણ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને પરિવાર સાથે દુઃખ વ્યક્ત કર્યું

ભાવનગર: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું દુઃખદ અવસાન થયું છે. આ ઘટનાના પગલે સમગ્ર ભાવનગરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મૃતકોના નિવાસસ્થાન નંદનવન સોસાયટી, કાળિયાબીડ ખાતે પહોંચીને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

યતીશભાઈ અને સ્મિતના મૃતદેહોને શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ સુધી ઈન્ડિગોની ફ્લાઈટ દ્વારા લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ, અમદાવાદથી રોડ માર્ગે મૃતદેહોને ભાવનગર લાવવામાં આવ્યા હતા. મોડી રાત્રે મૃતદેહો ભાવનગર પહોંચતા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શોકગ્રસ્ત પરિવારજનોને મળીને તેમની સંવેદના વ્યક્ત કરી હતી અને દુઃખની આ ઘડીમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્યો જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, ભીખાભાઈ બારૈયા, ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા કલેક્ટર ડૉ. મનોજકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી અને રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર સહિત અનેક અગ્રણીઓએ પણ મૃતક પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને પરિવાર સાથે દુઃખ વ્યક્ત કર્યું હતું.

 

(9:57 AM IST)