<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

22 એપ્રિલથી IT નો નવો નિયમ લાગુ : PAN ન આપવા પર 2% ને બદલે 20% ટેક્સ લાગશે

₹10 લાખથી વધુની મોંઘી ચીજવસ્તુઓની ખરીદી પર 1% TCS લાગુ : PAN ન આપનાર પાસેથી 20% TCS વસૂલ કરાશે : સરકારનો અજાણ્યા વ્યવહારો રોકવાનો હેતુ

નવી દિલ્હી: જો તમે ₹10 લાખથી વધુની કિંમતની કોઈ લક્ઝરી બેગ, મોંઘી ઘડિયાળ, બ્રાન્ડેડ જૂતા અથવા ગોલ્ફ કીટ ખરીદવા જઈ રહ્યા છો, તો તમારે હવે 1% ટેક્સ ચૂકવવો પડશે – જેને ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (TCS) કહેવાય છે. આ નિયમ 22 એપ્રિલ, 2025 થી લાગુ થઈ ગયો છે. આવકવેરા વિભાગે એક નવી યાદી બહાર પાડી છે, જેમાં સમાવિષ્ટ લક્ઝરી સામાનની ખરીદી પર જો કિંમત ₹10 લાખથી વધુ હોય તો 1% TCS લાગશે.

આ TCS નીચેની ચીજવસ્તુઓની ₹10 લાખથી વધુની ખરીદી પર લાગુ થશે: કાંડા ઘડિયાળ, આર્ટ પીસ (એન્ટિક, પેઇન્ટિંગ્સ, શિલ્પો), કલેક્ટિબલ્સ (સિક્કા, સ્ટેમ્પ), યાટ્સ, હેલિકોપ્ટર, હોડી (રોઇંગ બોટ, કેનોઝ), સનગ્લાસીસ, હેન્ડબેગ, પર્સ, જૂતા, સ્પોર્ટ્સ ગિયર (ગોલ્ફ કીટ, સ્કી-વેર), હોમ થિયેટર સિસ્ટમ, રેસિંગ અથવા પોલો માટેના ઘોડા.

આ નિયમ કેવી રીતે કામ કરે છે તે સમજાવતા જણાવવામાં આવ્યું છે કે જ્યારે તમે ઉપર જણાવેલ કોઈપણ સામાન ₹10 લાખથી વધુનો ખરીદશો, ત્યારે વેચનાર 1% TCS કાપીને તમારા PAN નંબર પર ટેક્સ જમા કરશે. આ રકમ તમારા ફોર્મ 26AS માં દેખાશે. આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરતી વખતે તમે તેને ટેક્સ ક્રેડિટ તરીકે ક્લેમ કરી શકો છો. જો તમારી કોઈ ટેક્સ જવાબદારી નથી, તો આ રકમ તમને રિફંડ થઈ જશે.

મહત્વની વાત એ છે કે જો ખરીદદાર PAN નંબર નહીં આપે તો TCS નો દર 2% ને બદલે સીધો 20% થઈ જશે. એટલે કે ₹10 લાખની ખરીદી પર તમારે ₹2 લાખ TCS ચૂકવવા પડશે! આ પગલા દ્વારા સરકાર અજાણ્યા વ્યવહારોને રોકવા માંગે છે.

સરકારનો આ યોજના પાછળનો મુખ્ય હેતુ આવક વધારવાનો નથી, પરંતુ ટેક્સની સ્પષ્ટતા વધારવી, આવકની ઓળખ સુનિશ્ચિત કરવી અને અન્ડર-રિપોર્ટિંગ અને ટેક્સ ચોરીને અટકાવવાનો છે. જો તમને લક્ઝરી શોખ હોય, તો હવે ખરીદી કરતી વખતે તમારો PAN નંબર આપવાનું ભૂલશો નહીં – જેથી ભવિષ્યમાં ટેક્સની મુશ્કેલીઓથી બચી શકાય.

 

(10:22 AM IST)