તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
અમૂલ નાણાકીય વર્ષ 2026 સુધીમાં ₹1 ટ્રિલિયનનની બ્રાન્ડ બનવાની તૈયારીમાં : ₹90,000 કરોડની આવકનો આંકડો પાર કર્યો
અમૂલે નાણાકીય વર્ષ 2025માં તમામ શ્રેણીઓમાં મજબૂત બે આંકડાની વૃદ્ધિ સાથે ₹90,000 કરોડની આવક મેળવી : હવે કંપનીનું લક્ષ્ય 2026 સુધીમાં ₹1 ટ્રિલિયનનની બ્રાન્ડ બનવાનું

આણંદ: ભારતની અગ્રણી ડેરી બ્રાન્ડ અમૂલે નાણાકીય વર્ષ 2025માં ₹90,000 કરોડની નોંધપાત્ર આવકનો આંકડો હાંસલ કર્યો છે, જે નાણાકીય વર્ષ 2024માં ₹80,000 કરોડ હતો. કંપનીએ આ સિદ્ધિ તમામ ઉત્પાદન શ્રેણીઓમાં નોંધાયેલી મજબૂત બે આંકડાની વૃદ્ધિને આભારી છે.
અમૂલના મેનેજિંગ ડિરેક્ટર (એમડી) જયેન મહેતાએ એક રાષ્ટ્રીય મીડિયાને જણાવ્યું હતું કે, "હવે અમારું લક્ષ્ય અમૂલને નાણાકીય વર્ષ 2026 સુધીમાં ₹1 ટ્રિલિયનની બ્રાન્ડ બનાવવાનું છે, કારણ કે અમને તમામ શ્રેણીઓમાં મજબૂત વૃદ્ધિ ચાલુ રહેવાની અપેક્ષા છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે આઈસ્ક્રીમ અને મિલ્કશેક જેવા ઉનાળાના ઉત્પાદનોની સારી માંગને કારણે આ નાણાકીય વર્ષની શરૂઆત પણ ઘણી મજબૂત રહી છે.
મહેતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)નો આવકનો આંકડો ₹66,000 કરોડ રહ્યો છે, જે નાણાકીય વર્ષ 2025માં લગભગ 12 ટકા વધારે છે. સમગ્ર ભારતમાં અમૂલના ઉત્પાદનોનું માર્કેટિંગ જીસીએમએમએફ કરે છે, પરંતુ તેનો કારોબાર અમૂલથી ઓછો છે. તેનું કારણ એ છે કે વલસાડ, રાજકોટ, ગોધરા, સુરત, વડોદરા અને આણંદની ડેરીઓ અમૂલ બ્રાન્ડ હેઠળ પોતાનું દૂધ અને દૂધ ઉત્પાદનો વેચે છે, જે અમૂલના સીધા કારોબારમાં ગણાતું નથી.
આ સાથે જ, અમૂલનો કારોબાર ગુજરાતમાં પશુ આહારના વ્યવસાયને પણ દર્શાવે છે, જે જીસીએમએમએફના કારોબારનો ભાગ નથી. અમૂલ મુખ્યત્વે પોતાની ડેરી માટે જાણીતું છે, પરંતુ હવે તે ધીમે ધીમે ખાદ્ય પદાર્થો બનાવતી કંપની બનવાની દિશામાં આગળ વધી રહી છે અને તેણે તાજેતરમાં જ ઓર્ગેનિક દાળ, લોટ (ઘઉંનો લોટ), બાસમતી ચોખા અને મસાલા જેવા ઉત્પાદનો પણ લોન્ચ કર્યા છે.
પાછલા નાણાકીય વર્ષમાં, અમૂલે પોતાના તાજા દૂધ સાથે અમેરિકાના બજારમાં પણ પ્રવેશ કર્યો છે અને આ માટે તેણે મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન (એમએમપીએ) સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ, એમએમપીએ દૂધ એકત્રિત કરશે અને તેનું પ્રોસેસિંગ કરશે, જ્યારે જીસીએમએમએફ દેશમાં અમૂલ માટે માર્કેટિંગ અને બ્રાન્ડિંગનું કામ સંભાળશે.
આ સહકારી સંસ્થા હાલમાં 50 થી વધુ દેશોમાં પોતાના ઉત્પાદનોની નિકાસ કરે છે. વર્ગીસ કુરિયનના નેતૃત્વ હેઠળ છ ડેરી સહકારી સમિતિઓ એકસાથે આવતાં 9 જુલાઈ, 1973ના રોજ જીસીએમએમએફ અસ્તિત્વમાં આવ્યું હતું. તેમણે જ અમૂલ બ્રાન્ડ નામ હેઠળ દૂધ અને દૂધ ઉત્પાદનોનું માર્કેટિંગ કરવાનો વિચાર રજૂ કર્યો હતો. વર્તમાનમાં, જીસીએમએમએફ ગુજરાતના 18,600 ગામોમાં 36 લાખથી વધુ ખેડૂતો સાથે 18 સભ્ય સંઘો ધરાવે છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
