<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

શહબાઝ શરીફ સરકાર ભારત સાથેનો શિમલા કરાર રદ્દ કરી શકે: તો ભારતને થશે મોટો ફાયદો

અન્ય યુદ્ધવિરામ વ્યવસ્થાઓને સમાપ્ત કરવાનો વિચાર કરી શકે : નેશનલ સિક્યોરિટી કમિટીની ઈમરજન્સી બેઠક બોલાવી

નવી દિલ્હી :પહેલગામ પર આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ વણસી રહ્યા છે. પ્રવાસીઓના મોત બાદ ભારતે સરકારે અનેક નિર્ણયો લીધા છે. જેમાં પાકિસ્તાનીઓને 48 કલાકમાં ભારત દેવા જણાવ્યું છે અને તેની સાથે જ સિંધુ જળ સંધિ કરાર રદ્દ કરી દીધો છે. જેને પગલે શહબાઝ શરીફે નેશનલ સિક્યોરિટી કમિટીની ઈમરજન્સી બેઠક બોલાવી છે.

 

પાકિસ્તાની મીડિયામાં પહેલગામ હુમલાની જોરોશોરોથી ચર્ચા છે. પાકિસ્તાની ન્યુઝપેપર ધ નેશન અનુસાર સિંધુ જળ સંધિ રદ્દ થતાં અન્ય દ્વિ પક્ષીય કરારો પર તેની અસર પડી શકે છે. મીડિયાના અહેવાલો અનુસાર આ બેઠકમાં શહબાઝ શરીફ સરકાર ભારત સાથેનો શિમલા કરાર રદ્દ કરી શકે છે અને તેની સાથે જ અન્ય યુદ્ધવિરામ વ્યવસ્થાઓને સમાપ્ત કરવાનો વિચાર કરી શકે છે.

 

શિમલા કરાર 28 જૂનથી 2 જુલાઈ 1972 દરમિયાન હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં યોજાયેલી અનેક વાટાઘાટોનું પરિણામ હતું. તેના પર ભારતના તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર 1971 પછીના યુદ્ધ પછીના તણાવને ઓછો કરવા અને બંને દેશો વચ્ચે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યો હતો.

 

જો પાકિસ્તાન શિમલા કરાર રદ્દ કરે છે, તો ભારત દલીલ કરી શકે છે કે પાકિસ્તાને પોતે જ કરારને અમાન્ય કર્યો છે, જેનાથી ભારતને કાશ્મીર પર તેની નીતિઓને વધુ મજબૂત બનાવવાની સ્વતંત્રતા મળશે. ભારત દાવો કરી શકે છે કે કાશ્મીર તેનો આંતરિક મામલો છે અને તે કોઈપણ બાહ્ય દબાણ વિના તેના પર નિર્ણય લઈ શકે છે. શિમલા કરારમાં નિયંત્રણ રેખાને કાયમી સરહદ તરીકે માન્યતા આપવામાં આવી હતી. જો તે રદ કરવામાં આવે છે તો ભારત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં વધુ આક્રમક વ્યૂહરચના અપનાવી શકે છે. ભારત પીઓકેમાં વિકાસ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપી શકે છે અથવા ત્યાંના લોકો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરી શકે છે.

પાકિસ્તાની મીડિયા અને વિશ્લેષકો દાવો કરે છે કે ભારતની કાર્યવાહી ખાસ કરીને સિંધુ જળ સંધિને રદ્દ કરવાથી પાકિસ્તાનના અર્થતંત્ર અને કૃષિ માટે મોટો ફટકો છે. પાકિસ્તાનની 80 ટકા ખેતી સિંધુ નદી પ્રણાલી પર આધારિત છે. આવી સ્થિતિમાં શિમલા કરાર રદ કરવો એ ભારત પર પ્રેશર ઉભું કરવા માટે હોઈ શકે છે, પરંતુ તેનાથી પાકિસ્તાનને નુકસાન છે.

(1:41 PM IST)