<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

ભારતના કડક વલણથી પાકિસ્‍તાનમાં ગભરાટ

રાષ્‍ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવીઃ કેનેડાના વડાપ્રધાને ૨૬ કલાક બાદ હુમલાની ઘટનાને વખોડી

નવી દિલ્હી: સૂચના અને પ્રસારણ મંત્રાલય (I&B Ministry) સાથે જોડાયેલા સૂત્રોના હવાલાથી સમાચાર છે કે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ‘અબીર ગુલાલ’ને ભારતમાં રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

મંત્રાલયના સૂત્રો અનુસાર, વર્તમાન રાજદ્વારી અને સુરક્ષાના માહોલને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાન સાથે વધતા તણાવ અને તાજેતરના પહેલગામ આતંકી હુમલા બાદ સરકાર કોઈપણ પાકિસ્તાની કલાકાર સાથે જોડાયેલી સામગ્રીને ભારતમાં પ્રસારિત કે પ્રદર્શિત કરવા માંગતી નથી.

ફિલ્મ ‘અબીર ગુલાલ’ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે, જેમાં ફવાદ ખાન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું શૂટિંગનો એક ભાગ વિદેશમાં થયો છે અને તેને કેટલાક ફિલ્મ ફેસ્ટિવલ્સમાં પ્રદર્શિત કરવાની તૈયારી હતી.

2016માં ઉરી હુમલા બાદ પણ ભારતમાં પાકિસ્તાની કલાકારો પર અનૌપચારિક પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ઘણા સંગઠનો અને ફિલ્મ સંસ્થાઓએ આવી ફિલ્મો સામે અવાજ ઉઠાવ્યો હતો. ફવાદ ખાન જેવા પાકિસ્તાની કલાકારો આ પહેલા ઘણી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળ્યા છે, પરંતુ તાજેતરની ઘટનાઓ બાદ માહોલ બદલાઈ ગયો છે.

જાણકારો જણાવે છે કે ફિલ્મ 'અબીર ગુલાલ' રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. ફિલ્મમાં પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનને લેવા બદલ ફિલ્મ નિર્માતાઓની આકરી ટીકા થઈ રહી છે. રાજકીય પાર્ટી 'મહારાષ્ટ્ર નવનિર્માણ સેના' આ ફિલ્મને મહારાષ્ટ્રમાં રિલીઝ થવા દેવાના વિરોધમાં છે. પાર્ટી ઘણા સમયથી પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવાના વિરોધમાં છે. પાર્ટીએ સિનેમા માલિકોને ચેતવણી પણ આપી છે. વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝના પ્રેસિડેન્ટ બી.એન. તિવારીએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ અબીર ગુલાલને ભારતમાં રિલીઝ થવા દેશે નહીં. હવે જો ફિલ્મ રિલીઝ થઈ તો નિર્માતાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

 

(3:19 PM IST)