તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
ઇડીએ સહારા જૂથની ગુજરાત સહિતનાં રાજ્યોમાં રૂ .૧,૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરી
સહારાએ રોકાણકારોની જાણ બહાર તેમનાં નાણાંથી બેનામી વ્યવહારો દ્વારા વિવિધ રાજ્યોમાં મોટાપાયે જમીનો ખરીદી હતી

નવી દિલ્હી તા.ર૪: સહારા ગ્રૂપ સામેના મની લોન્ડરિંગ કેસની તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)એ ગુજરાત સહિતના રાજ્યોમાં આવેલી ગ્રૂપની વધુ રૂ . ૧,૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરી છે. હજી ગયા સપ્તાહે જ ઈડીએ મહારાષ્ટ્રના લોનાવાલા સ્થિત એમ્બી વેલીની સહારા જૂથની ૭૦૭ એકર જમીન જપ્ત કરી હતી, જેની માર્કેટ વેલ્યુ રૂ . ૧,૪૬૦ કરોડ જેટલી થવા જાય છે.
સહારા પ્રાઈમ સિટી લિમિટેડની ૧૬ શહેરોમાં આવેલી ૧,૦૨૩ એકર જમીન જપ્ત કરવા માટે પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ હેઠળ ઈડીએ આદેશ જારી કર્યો હતો. આ પ્લોટ્સની કુલ કિંમત રૂ . ૧,૫૩૮ કરોડ( ૨૦૧૬ના ભાવ પ્રમાણે) જેટલી થાય છે. આ જમીનો બેનામી વ્યવહારો દ્વારા ખરીદવામાં આવી હતી જેનું ભંડોળ સહારાની કંપનીઓમાંથી ડાયવર્ટ કરાયું હતું તેમ ઈડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
તપાસ એજન્સી દ્વારા ગુજરાત ઉપરાંત ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર તથા ઉત્તરપ્રદેશમાં આવેલી સહારા જૂથની જમીનો જપ્ત કરાઈ છે.
સહારા જૂથ વિરુદ્ધ વિવિધ રાજ્યોના પોલીસ વિભાગો દ્વારા કરાયેલી ૫૦૦થી વધુ એફઆઈઆરને પગલે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરાયો હતો. ઈડીના જણાવ્યાં અનુસાર, રોકાણકારો અને એજન્ટ્સને ઊંચા વળતર અને કમિશનની લાલચ આપી સહારા જૂથે તેમની પાસેથી બિન-નિયંત્રિત ધોરણે ભંડોળ ઉઘરાવી આ નાણાંનો તેમની જાણ બહાર અન્યત્ર ઉપયોગ કર્યો હતો.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
