<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

પહેલગામ આતંકી હુમલા બાદ માસ્ટરમાઈન્ડ સૈફુલ્લાહ વિશ્વ સમક્ષ ભીખ માંગતો દેખાયો, કહ્યું – “મેં કંઈ નથી કર્યું” : જુઓ વિડિયો

26 નિર્દોષ લોકોના જીવ લેનાર પહેલગામ હુમલાના માસ્ટરમાઈન્ડ લશ્કરના ખુંખાર આતંકી અને ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ કસુરીનો ડરથી ભરેલો વિડીયો સામે આવ્યો : ભારત અને પાકિસ્તાન પર ખોટા આરોપ લગાવવાનો દાવો

નવી દિલ્હી: પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત હવે ચૂપ બેસવાના મૂડમાં નથી. ભારતે પાકિસ્તાનને રાજદ્વારી મોરચે તો આકરો જવાબ આપી જ દીધો છે, ત્યારે પાકિસ્તાનમાં એ વાતનો પણ ડર છે કે ક્યાંક ભારત પીઓકેમાં જવાબી હુમલો ન કરી દે. આ દરમિયાન જે ખુંખાર આતંકીને પહેલગામ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ ગણાવવામાં આવી રહ્યો છે, તે હવે વિશ્વ સમક્ષ ભીખ માંગતો દેખાઈ રહ્યો છે.

પહેલગામ આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને 20 લોકો ઘાયલ થયા. 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં ઇસ્લામિક આતંકવાદીઓએ કત્લેઆમ મચાવીને પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારી દીધા. આતંકવાદીઓએ પહેલા પ્રવાસીઓનો ધર્મ પૂછ્યો અને કલમો પઢવા કહ્યું અને જ્યારે એ વાતની પુષ્ટિ થઈ ગઈ કે તેઓ હિન્દુ છે, તો તાબડતોડ ગોળીબાર કરીને તેમની જાન લઈ લીધી. આ હુમલાની જવાબદારી પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ધ રેસિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ લીધી છે. ભારત તરફથી એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે આ હુમલાનો આકરો જવાબ આપવામાં આવશે અને તેની શરૂઆત પણ થઈ ગઈ છે. ભારત આ મામલે એક્શન મોડમાં છે અને આ કારણે પાકિસ્તાનમાં હવે ડરનો માહોલ છે. આ દરમિયાન લશ્કરનો એક ખુંખાર આતંકી, જેને પહેલગામ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ ગણાવવામાં આવી રહ્યો છે, હવે વિશ્વ સમક્ષ ભીખ માંગતો દેખાઈ રહ્યો છે.

પહેલગામ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ સૈફુલ્લાહ કસુરી હોવાનું કહેવાય છે, જે લશ્કરનો ખુંખાર આતંકી છે અને સાથે જ આ પાકિસ્તાની આતંકી સંગઠનનો ડેપ્યુટી ચીફ પણ છે. સૈફુલ્લાહને ખાલિદ અને અબુ મુસાના નામે પણ ઓળખવામાં આવે છે અને તે હાફિઝ સઈદનો ખાસ છે. પહેલગામ આતંકી હુમલા બાદ હવે સમગ્ર ભારતમાં આક્રોશ છે અને સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે આ હુમલામાં માર્યા ગયેલા નિર્દોષોના હત્યારાઓને માફ કરવામાં નહીં આવે અને તેમની પાસેથી બદલો લેવામાં આવશે. એવામાં સૈફુલ્લાહ હવે વિશ્વ સમક્ષ ભીખ માંગી રહ્યો છે. લશ્કર કમાન્ડરનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તે કહી રહ્યો છે કે, “મેં કંઈ નથી કર્યું. ભારત મારા પર અને પાકિસ્તાન પર આ હુમલાનો ખોટો આરોપ લગાવી રહ્યું છે. તેનાથી વિશ્વભરમાં પાકિસ્તાનની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી રહ્યું છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલા પાછળ જે આતંકીઓનો હાથ હતો, તેમની સાથે મારે કોઈ લેવા-દેવા નથી.”

નોંધનીય છે કે પહેલગામ આતંકી હુમલાના ચાર દિવસ પહેલાં જ સૈફુલ્લાહે 18 એપ્રિલના રોજ પીઓકેના રાવલકોટમાં એક રેલી કરી હતી, જેમાં તેણે ભારત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હિન્દુઓ વિરુદ્ધ ખૂબ ઝેર ઓક્યું હતું. સૈફુલ્લાહે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયનો સખત વિરોધ કરતાં કાશ્મીરમાં જેહાદ ફેલાવવાની અને કત્લેઆમ મચાવવાની ધમકી આપી હતી.

ધ રેસિસ્ટન્સ ફ્રન્ટ (TRF), જેના આતંકવાદીઓએ પહેલગામ આતંકી હુમલાને અંજામ આપ્યો છે, તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે મળીને કામ કરે છે. આ આતંકી સંગઠનની રચના 2019માં થઈ હતી અને 2023માં ભારતે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. TRF પાકિસ્તાનથી જમ્મુ અને કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ, આતંકવાદીઓની ભરતી, આતંકવાદીઓની ઘૂસણખોરી અને પાકિસ્તાનથી જમ્મુ અને કાશ્મીરમાં હથિયારો અને નશીલા પદાર્થોની દાણચોરી, સ્થાનિક કાશ્મીરીઓને ભડકાવવા, તેમનું બ્રેઈનવોશ કરવા અને ભારત વિરુદ્ધ પોતાના આતંકી મનસૂબાઓમાં તેમનો ઉપયોગ કરવા જેવા કામ કરે છે.

 

(3:09 PM IST)