<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

છત્તીસગઢમાં સૌથી મોટું ઓપરેશન : ૧૦૦૦ નકસલીઓનો ઘેરાવો : ૫ ઠાર

આ ઓપરેશનમાં છત્તીસગઢ, તેલંગાણા અને મહારાષ્‍ટ્રના ૨૦ હજારથી વધુ જવાનો સામેલ સમગ્ર વિસ્‍તારનો ઘેરાવો : સર્ચ ઓપરેશન શરૂ

વિજાપુર, તા.૨૪: છત્તીસગઢના બસ્‍તરમાં નક્‍સલીઓ પર અત્‍યાર સુધીનો સૌથી મોટો હુમલો થયો છે. અહીં ૧૦ હજાર સુરક્ષા દળોએ લગભગ એક હજાર નક્‍સલીઓને ઘેરી લીધા છે. નક્‍સલીઓ અને સુરક્ષા દળો વચ્‍ચે એન્‍કાઉન્‍ટર શરૂ થયું છે, જે આગામી થોડા દિવસો સુધી ચાલુ રહી શકે છે. સમાચાર લખાય ત્‍યાં સુધીમાં, લગભગ અડધો ડઝન નક્‍સલીઓ માર્યા ગયા છે અને ઓપરેશન પૂરું થાય ત્‍યાં સુધીમાં આ આંકડો ખૂબ મોટો હોઈ શકે છે. સૂત્રોએ એમ પણ જણાવ્‍યું હતું કે છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોની ટીમે અત્‍યાર સુધીના સૌથી મોટા ઓપરેશનમાં ૧૦૦૦ થી વધુ નક્‍સલીઓને ઘેરી લીધા છે. આ ઓપરેશનમાં છત્તીસગઢ, તેલંગાણા અને મહારાષ્‍ટ્રના ૨૦,૦૦૦ થી વધુ જવાનો સામેલ છે.

આ અંગે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્‍યું હતું કે આ ઓપરેશન સીઆરપીએફની સ્‍પેશિયલ યુનિટ કોબ્રા (કમાન્‍ડો બટાલિયન ફોર રિઝોલ્‍યુટ એક્‍શન) ની ૨૦૮મી બટાલિયન દ્વારા જીદપલ્લી કેમ્‍પમાંથી હાથ ધરવામાં આવ્‍યું હતું.

છત્તીસગઢ અને તેલંગાણાની સરહદ પર એક એન્‍કાઉન્‍ટરમાં સુરક્ષા દળોએ કેટલાક નક્‍સલીઓને ઠાર માર્યા છે. અધિકારીઓએ જણાવ્‍યું હતું કે છત્તીસગઢના બીજાપુર જિલ્લાને અડીને આવેલા પડોશી રાજ્‍ય તેલંગાણાની સરહદ પર નક્‍સલી પ્રવળત્તિની માહિતી મળ્‍યા બાદ, સુરક્ષા દળોની એક સંયુક્‍ત ટીમને નક્‍સલ વિરોધી કામગીરી માટે મોકલવામાં આવી હતી.

અધિકારીએ કહ્યું કે આ ઓપરેશન બસ્‍તર ક્ષેત્રમાં શરૂ કરાયેલા સૌથી મોટા નક્‍સલ વિરોધી કામગીરીમાંનું એક છે. આ ઓપરેશનમાં ડિસ્‍ટ્રિક્‍ટ રિઝર્વ ગાર્ડ (DRG), બસ્‍તર ફાઇટર્સ, સ્‍પેશિયલ ટાસ્‍ક ફોર્સ (STF), રાજ્‍ય પોલીસના તમામ યુનિટ, સેન્‍ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને તેની સ્‍પેશિયલ યુનિટ કોબ્રા સહિત વિવિધ યુનિટના લગભગ ૧૦ હજાર જવાનો ભાગ ભજવે છે. અધિકારીઓએ જણાવ્‍યું હતું કે તેલંગાણા પોલીસ પણ આ ઓપરેશનમાં સહાયક ભૂમિકા ભજવી રહી છે. ઇન્‍ડિયા ટુડેએ સૂત્રોને ટાંકીને જણાવ્‍યું છે કે આ વિસ્‍તારમાં લગભગ ૧ હજાર નક્‍સલવાદીઓ ઘેરાયેલા છે.

તેમણે કહ્યું કે માઓવાદીઓના સૌથી મજબૂત લશ્‍કરી સંગઠન બટાલિયન નંબર વન અને માઓવાદીઓની તેલંગાણા રાજ્‍ય સમિતિના વરિષ્ઠ કેડરોની હાજરી અંગે મળેલી માહિતીના આધારે સોમવારે ઓપરેશન શરૂ કરવામાં આવ્‍યું હતું. આ ઓપરેશન થોડા દિવસો સુધી સતત ચાલુ રહેશે. અધિકારીઓએ જણાવ્‍યું હતું કે ગાઢ જંગલો અને ટેકરીઓથી ઘેરાયેલો આ વિસ્‍તાર માઓવાદીઓની બટાલિયન નંબર વનનો બેઝ એરિયા હોવાનું કહેવાય છે

(4:14 PM IST)