<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

પાકિસ્તાન સામે ભારતની મોટી તૈયારી : LOC પર યુદ્ધવિરામનો અંત લાવી શકે છે

આતંકવાદને કાબૂમાં લેવામાં પાકિસ્તાનની નિષ્ફળતા અને સતત ઉલ્લંઘનના કારણે લેવાઈ શકે છે નિર્ણય

નવી દિલ્હી: પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન અને આતંકવાદને ડામવામાં તેની નિષ્ફળતાને પગલે ભારત આગામી દિવસોમાં નિયંત્રણ રેખા (LOC) પર યુદ્ધવિરામનો અંત લાવવાની મોટી જાહેરાત કરી શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન LOC અને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પર પોતાના વચનો પાળી રહ્યું નથી અને તેની ગુપ્તચર એજન્સી ISI હજુ પણ આતંકવાદીઓને તાલીમ, લોજિસ્ટિકલ સપોર્ટ અને સલામત આશ્રયસ્થાનો પૂરા પાડી રહી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2021માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો હોવા છતાં, લશ્કર-એ-તૈયબા (LeT), જૈશ-એ-મોહમ્મદ (JeM) અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) જેવા આતંકવાદી સંગઠનો જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાનું ચાલુ રાખે છે. તાજેતરમાં પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો એ વાતનો જીવંત પુરાવો છે કે પાકિસ્તાન હજુ પણ આતંકવાદના માળખાને તોડી પાડવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે.
પાકિસ્તાને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) અને અન્ય આંતરરાષ્ટ્રીય ભાગીદારોને આર્થિક આતંકવાદ સામે કાર્યવાહી કરવાના આપેલા વચનો પણ પોકળ સાબિત થયા છે. લશ્કર-એ-તોયબા અને ટીઆરએફ જેવા પ્રતિબંધિત સંગઠનો પણ નવા નામો હેઠળ ખુલ્લેઆમ કાર્યરત છે. આ ઉપરાંત, વર્ષ 2023-24માં પાકિસ્તાન દ્વારા સ્નાઈપર હુમલા અને મોર્ટાર ફાયરિંગ જેવા યુદ્ધવિરામ ઉલ્લંઘનની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
સરકારી સૂત્રોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભારતીય સુરક્ષા એજન્સીઓ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે અને જો યુદ્ધવિરામનો અંત લાવવાનો કોઈ પણ નિર્ણય લેવામાં આવે છે, તો તેની પાકિસ્તાન પર મોટી રાજદ્વારી અસર પડી શકે છે. દેશની સરહદો અને નાગરિકોની સુરક્ષા માટે આ પગલું સંપૂર્ણપણે વાજબી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સંભવિત નિર્ણયને પાકિસ્તાનની બેવડી નીતિ અને આતંકવાદ અંગેના તેના છુપાયેલા ઇરાદાઓ સામે ભારતની એક મજબૂત પ્રતિક્રિયા તરીકે જોવામાં આવી રહ્યું છે.

 

(8:35 PM IST)