News of Friday, 25th April 2025
સિક્કિમમાં ભારે વરસાદથી ભૂસ્ખલન : 1000થી વધુ પ્રવાસીઓ ફસાયા : મુસાફરી અંગે કડક ચેતવણી જારી
લાચેન - ચુંગથાંગ રોડ પર મોટું ભૂસ્ખલન થતાં રસ્તો બંધ : અનેક વાહનો ફસાયા : ઉત્તરી સિક્કિમમાં મુસાફરી માટે પરમિટ રદ : નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહીના આદેશ

ગંગટોક: ઉત્તરી સિક્કિમમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ગત રાત્રે લાચેન ચુંગથાંગ રોડ પર મુનશીથાંગ અને લાચુંગ ચુંગથાંગ વચ્ચે લેમા/બોબ વિસ્તારમાં ભયાનક ભૂસ્ખલન થયું છે. આ ભૂસ્ખલનના કારણે રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના પગલે આશરે 1000થી વધુ પ્રવાસીઓ અને તેમના વાહનો રસ્તાની બીજી તરફ ફસાઈ ગયા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા ઉત્તરી સિક્કિમના મંગન જિલ્લાના એસપી સોનમ દેચૂ ભૂટિયાએ પ્રવાસીઓ અને સામાન્ય લોકો માટે કડક ચેતવણી જારી કરી છે.
એસપી સોનમ દેચૂ ભૂટિયાએ જણાવ્યું હતું કે ચુંગથાંગ જવા માટે રસ્તો ખુલ્લો છે, પરંતુ ભારે વરસાદના કારણે રસ્તા પર કીચડ અને લપસણો છે. તેનાથી આગળનો રસ્તો ભૂસ્ખલનના કારણે બંધ છે. આથી, ઉત્તરી સિક્કિમ જવા માટે નવી પરમિટ જારી કરવા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ સાથે જ પહેલાથી જારી કરાયેલી પરમિટોને પણ આગામી આદેશ સુધી અમાન્ય ગણવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આ આદેશનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
એસપી સોનમ દેચૂ ભૂટિયાના જણાવ્યા અનુસાર, જે વિસ્તારમાં ભૂસ્ખલન થયું છે ત્યાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ અત્યંત દુર્ગમ બની ગયા છે. ખરાબ હવામાન, ભારે વરસાદ અને પહાડો ધસી પડવાના જોખમને ધ્યાનમાં રાખીને જ પરમિટ રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ભૂસ્ખલનના કારણે લાચેન, લાચુંગ અને યુમથાંગ જેવા લોકપ્રિય પ્રવાસન સ્થળોને એકબીજા સાથે જોડતો રસ્તો બંધ થઈ ગયો છે.
આ ત્રણેય પ્રવાસન સ્થળો વસંત અને ઉનાળાની ઋતુમાં લોકોના મનપસંદ ગંતવ્યો છે, પરંતુ હાલમાં તેમના રસ્તાઓ પર મુસાફરી કરવી જોખમથી ભરેલું છે, કારણ કે ભૂસ્ખલન થવાની અને રસ્તાઓ તૂટી પડવાની શક્યતા વધી ગઈ છે. સામાન્ય લોકોને પણ અપીલ કરવામાં આવે છે કે તેઓ રસ્તાઓ પર સાવધાનીપૂર્વક વાહન ચલાવે, અન્યથા અકસ્માતનો ભોગ બની શકે છે. વરસાદના કારણે રસ્તાઓ પર ઘણી લપસણ છે. તંત્ર દ્વારા ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.
(8:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
