<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

પહેલગામ હુમલા બાદ ભારતનું મોટું પગલું : સિંધુ જળ સંધિ સ્થગિત : અમિત શાહના નિવાસે આજે કેન્દ્રીય મંત્રીઓની બેઠક

પાકિસ્તાનને ઔપચારિક પત્ર દ્વારા સંધિ સ્થગિતની જાણ : આતંકવાદને પ્રોત્સાહન અને બદલાયેલા સંજોગોને કારણે નિર્ણય

નવી દિલ્હી : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સાથેની 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ અંગે આજે ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જળ શક્તિ મંત્રી સી.આર. પાટિલ સહિત અનેક વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહેવાની શક્યતા છે. ભારતે પાકિસ્તાનને ઔપચારિક પત્ર લખીને સંધિ સ્થગિત કરવાની જાણકારી આપી દીધી છે. આ પત્ર જળ શક્તિ મંત્રાલયના સચિવ દેવશ્રી મુખર્જીએ પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલયના સચિવ સૈયદ અલી મુર્તઝાને મોકલ્યો છે. 

સંધિ સ્થગિત કરવાનું કારણ શું? 
ભારત સરકારે જણાવ્યું છે કે સિંધુ જળ સંધિના મૂળભૂત સિદ્ધાંતોમાં નોંધપાત્ર ફેરફારો થયા છે, જેના પર પુનર્વિચારની જરૂર છે. સંધિમાં વસ્તીમાં ફેરફાર, સ્વચ્છ ઉર્જાના વિકાસ અને પાણીની વહેંચણી અંગેના મુદ્દાઓનો સમાવેશ થાય છે, પરંતુ આ મુદ્દાઓ હવે વર્તમાન સંજોગોને અનુરૂપ નથી. સરકારે એમ પણ જણાવ્યું કે કોઈપણ સંધિનો અમલ સારી ભાવના અને પરસ્પર સહકારથી થવો જોઈએ, પરંતુ પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં સરહદ પારના આતંકવાદને સતત પ્રોત્સાહન આપી રહ્યું છે. આ સુરક્ષા અંગેની અનિશ્ચિતતાને કારણે ભારત સંધિ હેઠળ મળેલા અધિકારોનો પૂર્ણ ઉપયોગ કરી શકતું નથી. 

પાકિસ્તાને સંધિની અનેક શરતોનું પાલન કર્યું નથી અને ન તો તે ભારત સાથે આ સંધિ અંગે નવેસરથી વાટાઘાટો કરવા તૈયાર છે. આવી સ્થિતિમાં ભારતે 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. 

સિંધુ જળ સંધિ શું છે? 
1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સહી થયેલી સિંધુ જળ સંધિ હેઠળ, ભારતને પૂર્વીય નદીઓ – સતલજ, રાવી અને બિયાસ – ના પાણી પર સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યા હતા, જ્યારે પાકિસ્તાનને પશ્ચિમી નદીઓ – સિંધુ, ઝેલમ અને ચિનાબ – ના પાણીનો અધિકાર મળ્યો હતો. આ ત્રણેય પશ્ચિમી નદીઓ ભારતમાંથી વહે છે, જેના કારણે ભારત ચોક્કસ શરતો હેઠળ આ નદીઓના પાણીનો ઉપયોગ પીવા, સિંચાઈ અને બિન-વપરાશી હેતુઓ (જેમ ને હાઈડ્રો-પાવર પ્રોજેક્ટ્સ) માટે કરી શકે છે. સંધિ હેઠળ પાકિસ્તાનને આ ત્રણ નદીઓમાંથી વાર્ષિક 135 મિલિયન એકર ફૂટ (MAF) પાણી મળે છે. 

પાકિસ્તાન પર શું થશે અસર? 
સિંધુ જળ સંધિના સ્થગનનો પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અને ખેતી પર ગંભીર પ્રભાવ પડી શકે છે. પાકિસ્તાનની લગભગ 80 ટકા ખેતીલાયક જમીન, એટલે કે આશરે 1.6 કરોડ હેક્ટર, સિંધુ નદી અને તેની સહાયક નદીઓના પાણી પર આધારિત છે. આ નદીઓના પાણીનો 90 ટકા હિસ્સો પાકિસ્તાનમાં સિંચાઈ માટે વપરાય છે. આ પાણી વિના પાકિસ્તાનના ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે. 

આ ઉપરાંત, પાકિસ્તાનના મુખ્ય શહેરો જેમ કે કરાચી, લાહોર અને મુલતાન પણ પીવાના પાણી માટે સિંધુ અને તેની ઉપનદીઓ પર નિર્ભર છે. પાકિસ્તાનના મહત્વના જળવિદ્યુત પ્રોજેક્ટ્સ, જેમ કે તરબેલા અને મંગલા, પણ આ નદીઓના પાણીથી ચાલે છે. સંધિનું સ્થગન પાકિસ્તાનની ઊર્જા ઉત્પાદન ક્ષમતા પર પણ અસર કરી શકે છે. 

આ નિર્ણય ભારત-પાકિસ્તાન સંબંધોમાં નવો વળાંક લાવી શકે છે અને તેની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા થવાની શક્યતા છે.4

(8:25 AM IST)