<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

પહેલગામ હુમલાના આતંકીઓ સામે તંત્રની કડક કાર્યવાહી: એકનું ઘર બોમ્બથી ઉડાવ્યું : બીજાના મકાન પર બુલડોઝર ફેરવ્યું

અનંતનાગના બિજબહેરા અને ત્રાલમાં કાર્યવાહી, હુમલામાં સંડોવાયેલા સ્થાનિક આતંકીઓને પાઠ ભણાવવા કડક પગલાં

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સંડોવાયેલા બે સ્થાનિક આતંકીઓ સામે સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરી છે. અનંતનાગ જિલ્લાના બિજબહેરાના ત્રાલના ગોરી વિસ્તારમાં એક આતંકીના ઘરને બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યું છે, જ્યારે બીજા શંકાસ્પદ આતંકીના ઘરને બુલડોઝરથી જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દક્ષિણ કાશ્મીરના ગુરી ગામમાં સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન એક શંકાસ્પદ આતંકીના ઘરમાં કેટલીક શંકાસ્પદ વસ્તુઓ જોવા મળી હતી. ખતરાને પારખીને સુરક્ષા દળોએ પોતાની સલામતી સુનિશ્ચિત કરવા માટે પીછેહઠ કરી હતી. જો કે, પીછેહઠ કર્યાના થોડા સમય બાદ એક જોરદાર વિસ્ફોટથી ઘરને ભારે નુકસાન પહોંચ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘર પહેલગામ હુમલામાં સામેલ આતંકી આદિલનું હતું.
બીજી તરફ, દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં લશ્કરના આતંકી આસિફ શેખના ઘરને જમ્મુ-કાશ્મીર પ્રશાસને બુલડોઝરથી તોડી પાડ્યું છે. આ કાર્યવાહી આતંકવાદીઓને તેમના કૃત્યોની કિંમત ચૂકવવાનો સ્પષ્ટ સંદેશ આપે છે. તંત્ર દ્વારા આતંકવાદને કોઈપણ ભોગે સહન નહીં કરવામાં આવે તેવો સંકેત આપવામાં આવ્યો છે. પહેલગામ હુમલાના અન્ય આરોપીઓની શોધખોળ પણ ચાલુ છે.

 

(9:52 AM IST)