<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

પટના : મોકામાની શાળામાં મધ્યાહન ભોજનમાં સાપ નીકળ્યો : 50થી વધુ બાળકોની તબિયત લથડી : શિક્ષકોએ બળજબરીથી ખવડાવ્યો ખોરાક

શાકભાજીમાં સાપ જોયા બાદ પણ શિક્ષકોએ ધ્યાન ન આપ્યું અને બાળકોને ભોજન પીરસ્યું : ગ્રામજનોનો હોબાળો, તમામ બાળકો ખતરાની બહાર : શાળાના શિક્ષકો અને કર્મચારીઓ ફરાર

પટના: મોકામા તાલુકાના મેકરા ગામની ઉત્ક્રમિત મધ્ય વિદ્યાલયમાં શુક્રવારે મધ્યાહન ભોજન લીધા બાદ 50થી વધુ બાળકોની તબિયત બગડી હતી. તમામ બાળકો ચક્કર, ઉલ્ટી અને પેટમાં દુખાવાની ફરિયાદ કરી રહ્યા હતા. બાળકોએ તેમના પરિવારજનોને જણાવ્યું હતું કે મધ્યાહન ભોજનમાં પીરસવામાં આવેલી શાકભાજીમાં સાપ પડેલો હતો. તેમણે શિક્ષકો અને રસોઈયાઓને આ અંગે જાણ કરી હતી, પરંતુ તેમણે ઠપકો આપીને બળજબરીથી બાળકોને ભોજન ખવડાવ્યું હતું. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો.
જો કે, ઘટના સ્થળે પહોંચેલી પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ કાર્યવાહીનું આશ્વાસન આપીને તેમને શાંત પાડ્યા હતા. સાથે જ બાળકોને રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો ઇલાજ કરી રહેલા ડો. પંકજ કુમારે જણાવ્યું હતું કે તમામ બાળકોની તબિયત ખતરાની બહાર છે.
શાળામાં બપોરે જ્યારે મધ્યાહન ભોજન પીરસવામાં આવી રહ્યું હતું ત્યારે કેટલાક બાળકોએ શાકભાજીમાં સાપ પડેલો જોયો હતો. તેમણે આ અંગે શિક્ષકો અને રસોઈયાને જાણ કરી હતી. શિક્ષકોએ આ વાત પર ધ્યાન આપ્યું ન હતું અને રસોઈયાએ સાપને બહાર કાઢીને બોરામાં ફેંકી દીધો હતો. ત્યારબાદ એ જ ભોજન તમામ બાળકોને પીરસવામાં આવ્યું હતું. શાળામાં લગભગ પાંચસો બાળકો હતા, પરંતુ સો બાળકોએ ભોજન લેવાનો ઇનકાર કરી દીધો હતો.
જે બાળકોએ ભોજન લીધું હતું, તેઓ ઘરે પહોંચ્યા બાદ ઉલ્ટી, ચક્કર અને પેટમાં દુખાવાની ફરિયાદ કરવા લાગ્યા હતા. ત્યારબાદ બાળકોએ તેમના પરિવારજનોને ભોજનમાં સાપ હોવાની જાણ કરી હતી. આ પછી ગ્રામજનો શાળા સામે રસ્તો જામ કરીને હોબાળો મચાવવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ શિક્ષકો અને શાળાના અન્ય કર્મચારીઓ તાળું મારીને ફરાર થઈ ગયા હતા. લગભગ પચાસ બાળકોને ચાર કલાક સુધી હોસ્પિટલમાં રાખીને સારવાર કરવામાં આવી હતી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર તમામ બાળકો હવે સ્વસ્થ છે. આ ઘટનાએ શાળાના તંત્રની બેદરકારી અને બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યેની તેમની ઉદાસીનતાને ઉજાગર કરી છે.

 

(10:18 AM IST)