<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

ટ્રક ડ્રાઈવરોના કામના કલાકો થશે નક્કીઃ ટ્રક-ઈલેક્‍ટ્રિક રિક્ષાને મળશે સેફટી રેટિંગ

કેન્‍દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્‍યું કે, ટૂંક સમયમાં ટ્રકો અને ઇલેક્‍ટ્રિક રિક્ષાને પણ ભારત NCAPની તર્જ પર સેફ્‌ટી રેટિંગ આપવામાં આવશે. ઉદ્દેશ ઉત્‍પાદકોને ઉત્‍પાદનની ગુણવત્તામાં સુધારો કરવા માટે પ્રોત્‍સાહિત કરવાનો છે, જેથી વાહનો વધુ સુરક્ષિત બની શકે સરકાર દેશભરમાં ૩૨ અત્‍યાધુનિક ડ્રાઇવિંગ સંસ્‍થાઓ સ્‍થાપવાની યોજના પણ બનાવી રહી છે

નવી દિલ્‍હી તા.રપઃ તમે અત્‍યાર સુધી કારના ક્રેશ ટેસ્‍ટ અને સેફ્‌ટી રેટિંગ વિશે સાંભળ્‍યું હશે. પરંતુ ટૂંક સમયમાં સરકાર દેશમાં ચાલતા ટ્રકો અને ઈલેક્‍ટ્રિક રિક્ષા (E-Rickshaw) માટે પણ સેફ્‌ટી રેટિંગનો નિયમ લાવવા જઈ રહી છે. કાર માટે ભારત ન્‍યૂ કાર એસેસમેન્‍ટ પ્રોગ્રામ (BNCAP) દ્વારા આપવામાં આવતી સેફ્‌ટી રેટિંગના તર્જ પર હવે આ વાહનોને પણ સેફ્‌ટી રેટિંગ આપવામાં આવશે. આ બાબતની જાહેરાત કેન્‍દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કરી છે.

કેન્‍દ્રીય મંત્રીએ શું કહ્યું?

ન્‍યૂ કાર એસેસમેન્‍ટ પ્રોગ્રામ (GNCAP) અને ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ રોડ ટ્રાફિક એજ્‍યુકેશન (IRTE) દ્વારા સંયુક્‍ત રીતે આયોજિત વ્‍હીકલ એન્‍ડ ફ્‌લીટ સેફ્‌ટી પ્રોગ્રામમાં કેન્‍દ્રીય મંત્રીએ જણાવ્‍યું કે, ટૂંક સમયમાં ટ્રકો અને ઇલેક્‍ટ્રિક રિક્ષાને પણ ભારત NCAPની તર્જ પર સેફ્‌ટી રેટિંગ આપવામાં આવશે. આ માટે યોજના તૈયાર કરવામાં આવી રહી છે. આનો ઉદ્દેશ ઉત્‍પાદકોને ઉત્‍પાદનની ગુણવત્તામાં સુધારો કરવા માટે પ્રોત્‍સાહિત કરવાનો છે, જેથી વાહનો વધુ સુરક્ષિત બની શકે.ૅ

ઈ-રિક્ષા થશે સુરક્ષિત

તેમણે કહ્યું કે, આ રીતે સરકાર પહેલેથી જ દેશમાં બેટરીથી ચાલતી ઈ-રિક્ષા માટે ધોરણો અને સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ સિસ્‍ટમ પર કામ કરી રહી છે. કારણ કે ઈ-રિક્ષાની સેફ્‌ટીને લઈને અનેક વખત સવાલો ઉઠ્‍યા છે. આનાથી ઈ-રિક્ષાની સેફ્‌ટી અને ક્‍વોલિટીમાં સુધારો થશે, જેથી લોકો સુરક્ષિત મુસાફરી કરી શકશે અને સાથે જ વધુ રોજગારનું સર્જન થશે.

સરકારની પ્રાથમિકતા જણાવી

માર્ગ દુર્ઘટનાઓ વિશે નીતિન ગડકરીએ કહ્યું કે, ભારતમાં દર વર્ષે ૪.૮ લાખ રોડ અકસ્‍માતો થાય છે, જેના કારણે ૧.૮ લાખ લોકોના મોત થાય છે. સરકારની -ાથમિકતા રોડ સેફ્‌ટી, સુરક્ષિત રાજમાર્ગોનું વિસ્‍તરણ, સુરક્ષિત વાહનો અને ઇલેક્‍ટ્રિક વાહનોને પ્રોત્‍સાહન આપવાની છે. મંત્રાલય આગામી થોડા વર્ષોમાં લોજિસ્‍ટિક્‍સ ખર્ચને હાલના ૧૪-૧૬ ટકા થી ઘટાડીને ૯ ટકાકરવા પર પણ કામ કરી રહ્યું છે, કારણ કે ઓટોમોબાઇલ ઉદ્યોગ ભારતની આર્થિક વળદ્ધિમાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવે છે.ૅ

નક્કી થશે ટ્રક ડ્રાઈવરોનો સમય

નીતિન ગડકરીએ કહ્યું કે, ૅરોડ મંત્રાલય ટ્રક ડ્રાઇવરો માટે કામના કલાકો નક્કી કરવા માટેના કાયદા પર પણ કામ કરી રહ્યું છે. હાલમાં તેઓ દિવસમાં ૧૩-૧૪ કલાક ટ્રકો ચલાવે છે. દેશમાં ટ્રક ડ્રાઇવરોની અછતનો સામનો કરવો પડી રહ્યો હોવાથી સરકાર દેશભરમાં ૩૨ અત્‍યાધુનિક ડ્રાઇવિંગ સંસ્‍થાઓ સ્‍થાપવાની યોજના પણ બનાવી રહી છે. મંત્રાલયે ટ્રકોના કેબિનમાં એર કન્‍ડિશન (AC)ની સુવિધા અને એડવાન્‍સ ડ્રાઇવર એસિસ્‍ટન્‍સ સિસ્‍ટમ (ADAS)ને પહેલેથી જ ફરજિયાત કરી દીધું છે.

(10:26 AM IST)