<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

પહેલગામ હુમલો : "મારી પત્નીના કપડાં ફાટી ગયા હતા, કાશ્મીરીઓએ ઇજ્જત બચાવી, નઝાકત ભાઈના કારણે જીવ બચ્યો" - ભાજપ કાર્યકરની આપવીતી

હુમલા દરમિયાન સ્થાનિક ગાઈડ નઝાકતે ભાજપ કાર્યકરની પત્ની અને પુત્રીને સુરક્ષિત બહાર કાઢ્યા : કાશ્મીરીઓએ કપડાં આપી મદદ કરી : આ ઘટનાએ માત્ર આતંકવાદની ક્રૂરતા જ નથી દર્શાવી, પરંતુ નઝાકત જેવા કાશ્મીરી લોકોની હિંમત અને માનવતાને પણ સામે લાવી

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આ હુમલામાં 25 પ્રવાસીઓ અને એક સ્થાનિક ઘોડેસવારનું મોત થયું હતું. પરંતુ આ ભયાનક ઘટના વચ્ચે માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પણ સામે આવ્યું છે, જે છત્તીસગઢના ભાજપ યુવા વિંગના કાર્યકર અરવિંદ અગ્રવાલે વર્ણવ્યું છે. અરવિંદે પોતાની અને પોતાના પરિવારનો જીવ બચાવવાનો શ્રેય સ્થાનિક ગાઈડ નઝાકત અહેમદ શાહને આપ્યો છે, જેમણે પોતાના જીવની પરવા કર્યા વિના તેમની પત્ની અને પુત્રીને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

છત્તીસગઢના ચિરમિરી શહેરના રહેવાસી અરવિંદ અગ્રવાલ (35) તે દિવસે પોતાની પત્ની પૂજા અને ચાર વર્ષની પુત્રી સાથે પહેલગામમાં હતા. તેમણે ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ને જણાવ્યું હતું કે, “બધું શાંત હતું, હું ફોટા પાડી રહ્યો હતો. મારી પુત્રી અને પત્ની મારાથી થોડા દૂર હતા, ત્યારે અચાનક ગોળીબાર શરૂ થયો. મારા ગાઈડ નઝાકત (28) તે સમયે મારી પત્ની, પુત્રી અને અન્ય એક દંપતી અને તેમના બાળકો સાથે હતા.” ગોળીબાર શરૂ થતાં જ નઝાકતે બધાને જમીન પર સૂઈ જવા કહ્યું અને અરવિંદની પુત્રી અને તેમના મિત્રના પુત્રને પોતાની બાહોમાં લઈને તેમનો જીવ બચાવ્યો. ત્યારબાદ તેમણે બાળકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા અને પછી અરવિંદની પત્નીને બચાવવા પાછા ગયા.

અરવિંદે જણાવ્યું કે લગભગ એક કલાક સુધી તેમને તેમની પત્ની અને પુત્રીના કોઈ સમાચાર મળ્યા ન હતા. બાદમાં હોસ્પિટલમાં જઈને તેમને તેમની પત્ની અને પુત્રીની સલામતીના સમાચાર મળ્યા હતા. તેમણે ભાવુક થઈને કહ્યું, “જો નઝાકત ત્યાં ન હોત તો ખબર નહીં શું થાત… મારી પત્નીના કપડાં ફાટી ગયા હતા, પરંતુ ત્યાંના સ્થાનિક લોકોએ તેમને કપડાં આપીને તેમની ઈજ્જત બચાવી હતી.”

નઝાકતે પણ તે ભયાનક દ્રશ્યને યાદ કરતાં જણાવ્યું હતું કે, “ગોળીબાર ઝિપલાઈન પાસે, અમારાથી લગભગ 20 મીટર દૂર થઈ રહ્યો હતો. મેં સૌથી પહેલા આસપાસના તમામ લોકોને જમીન પર સૂઈ જવા કહ્યું. પછી મેં વાડમાં એક ગેપ જોયો અને બાળકોને ત્યાંથી બહાર કાઢ્યા. આતંકવાદીઓ અમારી નજીક આવે તે પહેલા જ અમે તે જગ્યાએથી ભાગી ગયા.” તેમણે જણાવ્યું કે બાળકોને સુરક્ષિત જગ્યાએ છોડ્યા બાદ તેઓ અરવિંદની પત્નીને શોધવા પાછા ગયા, જે બીજી દિશામાં ભાગી ગઈ હતી. લગભગ દોઢ કિલોમીટર દૂર તેમને શોધીને નઝાકતે પોતાની કારમાં તેમને સુરક્ષિત શ્રીનગર પહોંચાડ્યા હતા.

પરંતુ આ બહાદુરીની વચ્ચે નઝાકતને એક દુઃખદ સમાચાર પણ મળ્યા. તેમને ફોન પર જાણ કરવામાં આવી કે તેમના પિતરાઈ ભાઈ સૈયદ આદિલ હુસૈન શાહ (30), જે ઘોડેસવાર હતા, હુમલામાં માર્યા ગયા. જણાવવામાં આવે છે કે આદિલે આતંકવાદીઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેને ગોળી મારી દેવામાં આવી હતી.

આ ઘટના માત્ર આતંકવાદની ક્રૂરતા જ નથી દર્શાવતી, પરંતુ નઝાકત જેવા લોકોની હિંમત અને માનવતાને પણ સામે લાવે છે, જેમણે પોતાના જીવની પરવા કર્યા વિના બીજાના જીવ બચાવ્યા. અરવિંદ અને તેમના પરિવાર માટે નઝાકત કોઈ દેવદૂતથી ઓછા નથી, જેના કારણે તેઓ આ ભયાનક હુમલામાંથી સુરક્ષિત બહાર આવી શક્યા.

 

(11:01 AM IST)