તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
"તેમણે અમને આઝાદી અપાવી અને તમે...", સાવરકર ટિપ્પણી કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર : ચેતવણી પણ મળી : રાહુલ ગાંધીને જારી કરાયેલા સમન્સને રદ કરવાનો ઇનકાર કરતા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો
સુપ્રીમ કોર્ટે વી.ડી. સાવરકર ટિપ્પણી કેસમાં રાહુલ ગાંધીને ઠપકો આપ્યો : ભવિષ્યમાં આવા નિવેદનો ન કરવા ચેતવણી, કોર્ટે કહ્યું કે સ્વતઃ સંજ્ઞાન લઈ શકે છે

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે વી.ડી. સાવરકર અંગેની ટિપ્પણીના કેસમાં રાહુલ ગાંધીને આકરી ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ચેતવણી આપી છે કે ભવિષ્યમાં તેઓ આવા નિવેદનો ન કરે, કારણ કે સુપ્રીમ કોર્ટ આ મામલે સ્વતઃ સંજ્ઞાન લઈ શકે છે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, "આ વખતે સાવરકર છે, આવતી વખતે કોઈ કહેશે કે મહાત્મા ગાંધી અંગ્રેજોના નોકર હતા."
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની ટિપ્પણીને 'ગેરજવાબદાર' ગણાવી હતી. કોર્ટે સાવરકર વિરુદ્ધ કથિત ટિપ્પણી બદલ બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને જારી કરાયેલા સમન્સને રદ કરવાનો ઇનકાર કરતા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો.
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને કહ્યું, "તેમણે અમને આઝાદી અપાવી અને તમે તેમની સાથે આવું વર્તન કરી રહ્યા છો." ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ મનમોહનની ખંડપીઠે કોંગ્રેસ નેતાને સાવરકર વિરુદ્ધ આગળ કોઈ અપમાનજનક ટિપ્પણી ન કરવાની ચેતવણી આપી અને કહ્યું કે મહારાષ્ટ્રમાં તેમની 'પૂજા' કરવામાં આવે છે. કોર્ટે વધુમાં કહ્યું કે, "જો તેઓ આવી ટિપ્પણીઓ કરવાનું ચાલુ રાખશે તો તેમને તેના પરિણામો ભોગવવા પડશે."
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
* અમે સ્વતંત્રતા સેનાનીઓ વિરુદ્ધ નિવેદનોની મંજૂરી નહીં આપીએ.
* આ વખતે સાવરકર છે, આવતી વખતે કોઈ કહેશે કે મહાત્મા ગાંધી અંગ્રેજોના નોકર હતા.
* જો આગલી વખતે આવી નિવેદનબાજી કરી તો સ્વતઃ સંજ્ઞાન લઈશું.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં 4 એપ્રિલના રોજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચથી આંચકો લાગ્યો હતો. હાઈકોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સ આદેશ રદ કરવાનો ઇનકાર કરી દીધો હતો. હાઈકોર્ટની લખનૌ બેંચે કોર્ટમાં પેન્ડિંગ સાવરકર બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.
આ બદનક્ષીનો કેસ 2022માં રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા દરમિયાન મહારાષ્ટ્રમાં આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન સાથે સંબંધિત છે. જેમાં રાહુલ ગાંધીએ સાવરકરને 'અંગ્રેજોના નોકર' ગણાવ્યા હતા. સાથે જ કહ્યું હતું કે સાવરકર 'અંગ્રેજો પાસેથી પેન્શન લેતા હતા.' વકીલ નૃપેન્દ્ર પાંડેએ આ અંગે નીચલી કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. નીચલી કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રથમ દૃષ્ટિએ આઈપીસી કલમ 153(A) અને 505 હેઠળ કેસ માનીને રાહુલ ગાંધીને સમન્સ જારી કર્યો હતો.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
