તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
ત્રાસવાદને પ્રોત્સાહન આપ્યું: પાક. સંરક્ષણ મંત્રીની નફફટ કબૂલાત
આજકાલથી નહી પણ અમે આ કામ ૩૦-૩૦ વર્ષથી કરીએ છીએ : યુધ્ધની વાતો કરતું પાક. હવે ટ્રમ્પના શરણેઃ મધ્યસ્થીની વિનંતી

ઈસ્લામાબાદ, તા.૨૫: આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાન આતંકવાદીઓનો દેશ છે. પરંતુ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સ્કાય ન્યૂઝ પર સ્વીકાર્યું છે કે પાકિસ્તાન ઘણા દાયકાઓથી આતંકવાદમાં સામેલ છે. ખ્વાજા આસિફે કહ્યું છે કે પાકિસ્તાન અમેરિકા અને બ્રિટન માટે આતંકવાદ ફેલાવી રહ્યું છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સ્વીકાર્યું છે કે પાકિસ્તાન દાયકાઓથી આતંકવાદી જૂથોને ટેકો, સહાય અને ભંડોળ આપવામાં સામેલ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે, ખ્વાજા આસિફે યુકે સ્થિત સ્કાય ન્યૂઝને એક ઇન્ટરવ્યુ આપ્યો છે. આમાં તેમણે કહ્યું છે કે પાકિસ્તાન ૩૦ વર્ષથી વધુ સમયથી અમેરિકા માટે આ ‘ગંદા કામ' કરી રહ્યું છે.
સ્કાય ન્યૂઝ પર એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે ખ્વાજા આસિફને આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડવામાં પાકિસ્તાનની ભૂમિકા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, અમે લગભગ ત્રણ દાયકાથી અમેરિકા અને બ્રિટન સહિત પશ્ચિમી દેશો માટે આ ગંદુ કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે પાકિસ્તાનનો આ નિર્ણય ભૂલ હતો અને તેને તેની કિંમત ચૂકવવી પડી. એનો અર્થ એ થયો કે પાકિસ્તાન સરકારે હવે સ્વીકાર્યું છે કે તે આતંકવાદમાં સામેલ છે. જેના પછી સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું દુનિયા આતંકવાદીઓને મદદ કરતા દેશનો બહિષ્કાર કરશે?
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે જો આપણે સોવિયેત યુનિયન સામેના યુદ્ધમાં અને પછી ૯/૧૧ પછીના યુદ્ધોમાં સામેલ ન હોત તો... પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ નિર્દોષ હોત. વધુમાં, આતંકવાદી પ્રવળત્તિઓ માટે પાકિસ્તાનને દોષી ઠેરવવાના અમેરિકાના નિર્ણયો અંગે, ખ્વાજા આસિફે કહ્યું કે મોટી શક્તિઓ માટે પાકિસ્તાનને દોષી ઠેરવવાનું અનુકૂળ છે, જેણે ૮૦ના દાયકામાં સોવિયેત યુનિયન સામે તેમના પક્ષે યુદ્ધ લડ્યું હતું. આજના આ બધા આતંકવાદીઓ વોશિંગ્ટનમાં રડતા અને ખાતા હતા. તેમણે કહ્યું કે અમેરિકાએ પણ અફઘાનિસ્તાનમાં સોવિયેત યુનિયન સામે લડવા માટે આતંકવાદીઓને પ્રોક્સી તરીકે ઉપયોગ કર્યો હતો.
ભારત લાંબા સમયથી પાકિસ્તાન પર આતંકવાદી સંગઠનોને સમર્થન આપવાનો આરોપ લગાવતું આવ્યું છે. ભારતમાં ડઝનબંધ આતંકવાદી હુમલા થયા છે અને દરેક આતંકવાદી હુમલામાં પાકિસ્તાનનો હાથ રહ્યો છે. જોકે, પાકિસ્તાન હંમેશા ભારતના આરોપોને નકારી કાઢતું આવ્યું છે અને પુરાવા માંગતું રહ્યું છે. જ્યારે પાકિસ્તાનમાં ડઝનબંધ આતંકવાદી સંગઠનો સક્રિય છે. સંયુક્ત રાષ્ટ્રએ ઘણા આતંકવાદી સંગઠનો સામે પ્રતિબંધો લાદ્યા છે. પાકિસ્તાને આ આતંકવાદી સંગઠનોનો ઉપયોગ કાશ્મીરમાં જેહાદ ફેલાવવા અને ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓ કરવા માટે પ્રોક્સી તરીકે કર્યો છે. પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના છાયા સંગઠન, રેઝિસ્ટન્સ ફ્રન્ટ એ પહાગામ આતંકવાદી હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા છે, જેના જવાબમાં ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી છે. ભારતે કહ્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન સીમાપાર આતંકવાદને વિશ્વસનીય અને અફર રીતે ટેકો આપવાનું બંધ ન કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ પરનો પ્રતિબંધ લાગુ રહેશે.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓલ આઉટ વૉરની આશંકા વધતી જઇ રહી છે. એટલા માટે દુનિયાએ પણ પરમાણુ શક્તિથી લેસ બે રાષ્ટ્ર વચ્ચે આ યુદ્ધની આશંકાઓથી ચિંતિત થવાની જરૂર છે. આ મામલે ખ્વાજા આસિફે અમેરિકન પ્રમુખને અપીલ કરતાં હસ્તક્ષેપ કરવા કહ્યું છે.
પાક. સંરક્ષણ મંત્રીએ ડોનાલ્ડ ટ્રમ્પને અપીલ કરતાં કહ્યું કે તમે વિશ્વની સત્તાઓનું નેતળત્વ કરો છો. અમારી માગ છે કે તમે ભારત અને પાકિસ્તાનના વિવાદમાં દખલ કરો. અમને આશા છે કે આ વિવાદનો ઉકેલ સંવાદના માધ્યમથી આવી જશે.
ઉલ્લેખનીય છે કે પહલગામમાં આતંકી હુમલામાં ૨૮ નિર્દોષ સહલાણીઓના મોત બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર તંગદિલી ચરમસીમાએ પહોંચી ગઇ છે. આ હુમલામાં પાકિસ્તાનીઓની ભૂમિકાના પુરાવા પણ મળી રહ્યા છે અને તમામ શંકાની સોય પાકિસ્તાન તરફ જ ઈશારો કરી રહી છે.
ખ્વાજા આસિફે ભારતના આરોપોને ફગાવતા કહ્યું કે ફોલ્સ ફ્લેગ ઓપરેશન હેઠળ ભારતે જ આ ઘટનાને અંજામ આપ્યો છે. ખ્વાજાએ શેખી મારતા કહ્યું કે બંને પક્ષો વચ્ચે વધતા તણાાવ અને કૂટનીતિક પ્રયાસો વચ્ચે અમે કોઈપણ સ્થિતિનો સામનો કરવા તૈયાર. ભારત જેવી કાર્યવાહી કરશે એની સામે એ જ ભાષામાં જવાબ આપીશું. જો કોઈ ઓલ આઉટ વૉર થશે તો નક્કી જ કોઈ મોટું સંઘર્ષ થવાનું છે.
દરમિયાન, અમેરિકામાં પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત હુસૈન હક્કાનીએ ખ્વાજા આસિફના કબૂલાતની ટીકા કરી છે. તેમણે કહ્યું, પાકિસ્તાની અધિકારીઓએ તેમના વાટાઘાટોના મુદ્દાઓને અપડેટ કરવાની જરૂર છે. અમેરિકા હંમેશા પાકિસ્તાનમાં શરૂ થયેલા કાશ્મીર જેહાદનો વિરોધ કરે છે. અમેરિકાની સંડોવણી સોવિયેત વિરોધી અફઘાન જેહાદમાં હતી, જે ૧૯૮૯ માં સોવિયેત પાછા ખેંચવાની સાથે સમાપ્ત થઈ જવી જોઈતી હતી. સંરક્ષણ પ્રધાનના નિવેદન બાદ પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાયું છે. પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન દ્વારા આતંકવાદની કબૂલાત બાદ, વિશ્વભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે અને એવું માનવામાં આવે છે કે તેમનું નિવેદન પાકિસ્તાન એક આતંકવાદી દેશ છે તેની પુષ્ટિ કરવા માટે પૂરતું છે. (રર.૧૯)
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
