તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
જુનાગઢમાં સ્વામિનારાયણ ભગવાને ૧૯૭ વર્ષ પહેલા શ્રી સિધ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી'તીઃ મે મહિનામાં પાટોત્સવ ધામધુમથી ઉજવાશે
જુનાગઢની પ્રસાદીની ભુમીમાં બિરાજમાન શ્રી રાધા-રમણદેવ સહિતના દેવોના પાટોત્સવમાં વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધીપતી પ.પૂ. ધર્મધુરંધર ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજ ઉપસ્થિત રહેશે : શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદીરે શ્રી રામનવમી, શ્રી ઘનશ્યામ ભગવાન જન્મોત્સવ, શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ-જન્માષ્ટમી, શ્રી વામન જયંતિ, શ્રી નૃસિંહ જયંતી, શ્રી તુલસી વિવાહ, શ્રી ગીતા જયંતિ સહિતના તહેવારોની ધામધુમથી થાય છે ઉજવણી : આ મંદીરમાં બિરાજમાન મુર્તિઓનું પુજન, અર્ચન, જપ કરશે તેમને હજાર ગણું ફળ મળશે તેમ શ્રી સ્વામીનારાયણ ભગવાને કહયું હતું : શ્રી સિધ્ધેશ્વર મહાદેવજીનો પ્રતાપ દેશ-વિદેશમાં પ્રસર્યોઃ સંતાન પ્રાપ્તી, વ્યવસાયીક -પારિવારીક મુશ્કેલીમાં આજે પણ લોકો માનતા કરે છે : શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદીરમાં પૂ. બ્રહ્માનંદ સ્વામી, ઝીણાભાઇ દરબાર રૂપશંકરભાઇ દાદાભાઇ ઉમેદસંગભાઇ સહીત સંતો-ભકતોની ભકિતની સમર્પણની ઝાલરો ઝણ ઝણે છે : તા.૧-પ-ર૮ના રોજ શ્રી સ્વામીનારાયણ ભગવાનની પધરામણી થઇ હતી અને મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો

‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, જુનાગઢ શ્રી સ્વામીનારાયણ ભગવાનના મુખ્ય મંદીરના દર્શનાર્થે આવ્યા હતા. મંદિરના પૂ.કોઠારી સ્વામી સતત તેમની સાથે રહયા હતા અને આ ઐતિહાસિક મંદિરની માહિતી આપી હતી. અકિલાના જુનાગઢ ખાતેના બ્યુરો ચીફ શ્રી વિનુભાઇ જોશી નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.,૨૫ : ‘‘અકિલા'' ના મોભી કિરીટભાઇ ગણાત્રાએ જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વતની ગોદમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરની ઐતિહાસિક અને આધ્યાત્મિક ભૂમિના દર્શન કરી તેમણે મંદિરની દિવ્યતા, ભવ્યતા, શાંતિ અને અનુપમ સેવાકીય પ્રવૃતિઓની ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી.
શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર વિશેની માહિતી મંદિરના પૂર્વ ચેરમેન કોઠારી સ્વામી દેવનંદદાસજી માર્ગદર્શન હેઠળ શ્રી રાધારમણદેવ વહીવટી સમિતિના ચેરમેન કોઠારી સ્વામી પી.પી.સ્વામી, પ્રેમ સ્વરૂપદાસજી સહિત સંતોએ આપી હતી.
આ તકે સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, જુનાગઢની પ્રસાદી ભુમીમાં બિરાજમાન શ્રી રાધા-રમણદેવ સહિતના દેવોનો ૧૯૭મો પાટોત્સવ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધીપતી પ.પૂ. ધર્મધુરંધર ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં ધામધુમથી ઉજવાશે.
પ.પૂ. સદગુરૂ પુરાણીસ્વામી શ્રી ધર્મચરણદાસજીના રૂડા આશીર્વાદથી તથા પ.પૂ. સદગુરૂ કોઠારી સ્વામી શ્રી દેવનંદન દાસજી (પુર્વ ચેરમેન)ના માર્ગદર્શન મુબ શ્રી મદ સત્સંગી જીવન પંચાહ પારાયણ તા. ૧૦-પ-ર૦૪ને શનિવારથી તા. ૧૪-પ-ર૦ર૪ ને બુધવાર સુધી ધામધુમથી ઉજવાશે.
શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના સંતોએ ‘‘અકિલા'' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા જણાવ્યુ હતુ કે સોરઠની ધરતી એટલે જોગી-જતીની જનેતા જયા જટાળો જોગંધર ગિરનાર ઉભો છે. એ ગરવા ગિરનારની ટૂંકથી માંડી તળેટી સુધી જોગી-જતીના બેસણા થાય. ગિરનારની ટૂંકો પરથી વહેતા નદી-ઝરણાના નીરથી ગીરપ્રદેશની તળેટીમાં ચારે-બાજુ વનરાજી છવાયેલી અને પથ્થરીયા પાણી બચાવી પચાવી કેસરીના કાન મીલે એવા અડીખમ માણસો ભકિતથી ભીની, ત્યાગ-તપથી તપેલીઅને શુરવીરતાથી રંગાયેલી આ સોરઠ ભુમિનું સોહામણું શહેર જૂનાગઢ-જૂનાગઢમાં સર્વાવતારી ભગવાન શ્રી સ્વામીનારાયણના સ્વહસ્તે પ્રસ્થાપિત અને પ્રતિષ્ઠિત ધામ છે. આસ્થા અને ઉપાસનાના આ ધામમાં આજે પણ શ્રી બ્રહમાનંદ સ્વામી, ઝીણાભાઇ દરબાર, રૂપશંકરભાઇ, દાદાભાઇ, ઉમેદસંગભાઇ આદિક સંતો-ભકિતની સર્મપર્ણની ઝાલરો ઝણઝણે છે.
શ્રી ગુણાતીનાનંદ સ્વામી, શ્રીબાલમુકંદ દાસજી સ્વામી શ્રી નારાયણાદાસજી સ્વામી વગેરે સંતોની સાધુતાની સોરભ ફેલાય છે.
સોરઠપ્રદેશના સત્સંગીઓની આસ્થાનું કેન્દ્ર બનેલ ગગનચૂંબી શિખરબધ્ધ શ્રી સ્વામીનારાયણ મંદિર ત્રણ શિખરથી શોભી રહ્યું છે. આ મંદિરનો ઇતિહાસ તો દોઢ-બે શતાબ્દી જૂનો છે, પરંતુ આ ભૂમિની સાધના બહુ પ્રાચીનકાળથી છે. રૈવતાચળની પવિત્ર પવિત્ર તળેટીમાં આવલું જૂનાગઢ પ્રાચીનકાળથી પોતાની પવિત્રતા માટે જાણીતું અનેક મહાપુરૂષે, તપસ્વીઓ, જોગી અને જતીઓની સાધનાની સાખ ગિરનાર પૂરે છે.
આ જ સોરઠ પ્રદેશમાં અર્વાચીન સત્સંગના બીજ સદ્્ગુરૂવર્ય શ્રી રામાનંદ સ્વામીએ ઉધ્ધવ સંપ્રદાયની સ્થાપના થી રોપ્યા હતાં. મહાપ્રભુશ્રી નિલકંઠ વર્ણી અને શ્રી રામાનંદસ્વામીનું મિલન થયું. જેતપુરમાં શ્રી સહજાનંદસ્વામીને ધર્મધુરા સોંપી શ્રી રામાનંદ સ્વામી ધામમાં સિધાવ્યા. ત્યારબાદ ભગવાન શ્રી સ્વામિનારાયણે સત્સંગનું પ્રવર્તન શરૂ કર્યુ. તેથી ‘ઉધ્ધવ સંપ્રદાય' ‘શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય' તરીકે પ્રસિધ્ધ થયો.
સંપ્રદાય-સત્સંગની વૃધ્ધિ થયા પછી તેના કેન્દ્ર તરીકે જુનાગઢમાં મંદિર કરાવવાનો સંકલ્પ ભગવાન શ્રી હરિના અનન્ય નિષ્ઠાવાન ભકત પંચાળાના દરબારશ્રી મીણાભાઇને થયો, સંકલ્પની સિધ્ધિ માટે દરબારશ્રી ઝીણાભાઇ તથા તેમના ભત્રીજા દરબાર શ્રી દાદાભાઇએ જુનાગઢની જમીન ભગવાન શ્રી હરિને અર્પણ કરી શ્રીજી મહારાજે ત્રણ શિખર વાળુ મંદિર બાંધવાનું નકકી કર્યુ અને આ કાર્ય પરિપૂર્ણ કરવા સ. ગુ. શ્રી બ્રહ્માનંદ સ્વામીએ જુનાગઢ જવાની આજ્ઞા શ્રી સાથે સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામીને પણ સહાય માટે મોકલ્યા.
‘શ્રેયાંસિ બહુવિદનાનિ' એ ન્યાયે મંદિર બાંધકામમાં દ્રેષી અમલદારોની ખટપટ ચાલુ થઇ. બાંધકામનો સામાન, પથ્થર, લાકડા વગેરે બહારથી આવતી બંધ કરાવી. ધર્મદ્વેષી લોકોએ તેજોદ્વેષથી પીડાઇને ઇટોના ભઠ્ઠામાં આગ ન લાગે તે માટે તંત્ર-મંત્રના પ્રયોગો કર્યા જે ગોપાળાનંદ સ્વામીના પ્રતાપથી નિષ્ફળ રહ્યા. બ્રહ્માનંદ સ્વામીએ નવાબ બહાદુરખાનની મુલાકાત લીધી. બન્નેનો ખૂબ પુરાનો નાતો નીકળ્યો. પૂર્વાક્રમમાં લાકદાનજીએ (બ્રહ્માનંદ સ્વામી)એ બહાદુરખાન શાજહાપદે હતા ત્યારે સંગીત અને સાહિત્યનો અભ્યાસ કરાવ્યો હતો. એટલે વિદ્યાગુરૂનો નાતો હતો તેથી નવાબે મંદિરના તમામ સામાન પર વેરો, માફ કર્યો અને માજી સહાયની જરૂરીયાત હોય તો માંગવા કહયું, સ. ગુ. શ્રી બ્રહ્માનંદ સ્વામીએ પોતાની બુધ્ધિ પ્રતિભા, કવિત્વ શકિત, વ્યવહાર કુશળતા અને સાધુતા દ્વારા વિરોધીઓની સામે અડીખમ ઉભા રહી સર્વેનું નિરાકરણ કર્યુ ખૂદ નવાબે મંદિરના કાર્યમાં કશી હરકત ન થાય તેવી સંગીન વ્યવસ્થા કરી.
દરબાર શ્રી ઝીણાભાઇનો સંકલ્પ, ભગવાન સ્વામિનારાયણે તેઓને આપેલું વચન, સ. ગુ. ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને ગુણાતીનાનંદ સ્વામીની જહેમતથી સોરઠના ભકતોના તન-મન-ધનના સમર્પણથી જુનાગઢમાં ભવ્ય ગગનચુંબી, ગોખયુકત, વિવિધ પ્રકારની રચનાથી અભિરામ, વિવિધ પ્રકારની કોતરણથી યુકત સ્તંભોથી શોભિત, સુંદર ધુમ્મટથી શોભાયમાન, ત્રણ શિખરવાનળું શિલ્પ કળા અને સ્થાપત્ય કલાના ઉત્તમ નમુનારૂપ મંદિર બે વર્ષમાં તૈયાર થયું.
ભગવાન શ્રી સ્વામીનારાયણ સંતો-ભકતોની સાથે દેવો પધરાવવા જુનાગઢ પધાર્યા. જુનાગઢની શેરીઓમાં ભવ્ય સામૈયુ થયું. સંવત ૧૮૮૪ વૈશાખ-વદ-ર (તા. ૧-પ-૧૮ર૮, ગુરુવાર) રોજ જુનાગઢમાં સોનાનો સુરંજ ઉગ્યો વાતાવરણમાં આદ્્લાદકતાનો આનંદ હતો. મંગલ તૂરીના નાદ વાગી રહ્યા હતાં. નોબત પર ધીરી ધીરી દાંડી પડી રહી છે. મંગળ ગીતો ગવાઇ રહ્યા છે. સમગ્ર મંદિર ધજા પતાકાથી છવાઇ ગયું છે. શ્રી રાધારમણદેવની પ્રતિષ્ઠાનો રળિયામણો દિવસ રમી રહ્યો છે. મંગલ ‘મૂર્તિ પ્રતિષ્ઠા' નું મુહુર્ત આવતા વેદોકત વિધિના મંત્રોચ્ચારથી સમગ્ર સ્થળે દિવ્યતા વ્યાપી છે. ભગવાન સ્વામિનારાયણને સ્વહસ્તે મંદિરના પૂર્વ દેરામાં શ્રી રાધારમણદેવ, મધ્યમાં શ્રી રણછોડરાયજી-શ્રી ત્રિકમરાયજી અને પヘમિના દેરામાં મહાપ્રતાપી શ્રી સિધ્ધેશ્વર મહાદેવજીની સ્થાપના કરી પ્રતિષ્ઠાની આરતી ઉતારી છે. મંદિર જયનાદોથી ગૂંજી ઉઠયું છે અને તે જ સમયે ઊંચા સિંહાસન પર બિરાજી શ્રી સ્વામિનારાયણ ભગવાને ના મંદિરનો મહિમા કહેતા કહ્યું છે કે ‘મા મંદિરમાં બિરાજમાન મૂર્તિઓની આગળ ભકિતપૂર્વક જે જપ કરશે તથા પુરશ્ચરણ વગેરે કરશે તે સર્વનું હજાર ગણુ ફળ તેને મળશે. આ મંદિરમાં જે જનો વષાો, આભૂષણો, ધન અને અન્નથી સેવા કરશે તેને ચારેય પુરૂષર્થની સિધ્ધિ મળશે.
આજે ૧૯૭ વર્ષ પછી કરોડો શ્રધ્ધાળુઓની ભાવના અહીં સિધ્ધ થઇ રહી છે. ઇચ્છાઓ સઘળી ફળે, જેને સિધ્ધેશ્વરની કૃપા મળે, એવા મહાપ્રતાપી શ્રી સિધ્ધેશ્વર મહાદેવજીનો પ્રતાપ દેશ-વિદેશમાં પ્રસરી રહ્યો છે. ઇચ્છાઓ આપણી હોય પણ તેને સિધ્ધ કરવાની દયા કરનારા મહાદેવ એટલે શ્રી સિધ્ધેશ્વર મહાદેવ. નિઃસંતાન દંપતિને ત્યાં સંતાનની પ્રાપ્તિ, વ્યાવસાયિક મુશ્કેલીઓ, પારિવારીક પ્રશ્નો અને સામાજીક પ્રતિષ્ઠાને સિધ્ધ કરનારા દેવની માનતા આજે પણ લોકો કરી રહ્યા છે. અને સિધ્ધ થઇ રહી છે. પૂનમના દિવસે હજારો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે પધારે છે. વૈષ્ણવી પરંપરાથી મહાદેજીને શ્રૃંગાર અને પૂજા થઇ રહી છે. સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામીના હૃદયથી પ્રગટેલ શ્રી મહાપૂજાની માનતાથી લોકોના દુઃખ દુર થઇ રહ્યા છે. આદિ મહંત શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ ૪૦ વર્ષ ચાર માસ અને ચાર દિવસ આ મંદિરના મહંતપદે રહી સત્સંગના અમૃત પાયા છે.
મંદિરમાં સનાતન હિન્દુ ધર્મના તમામ તહેવારો શ્રી રામનવમી, શ્રી ઘનશ્યામ જન્મોત્સવ, શ્રી જન્માષ્ટમી, શ્રી વામન જયંતિ, શ્રી નૃસિંહ જયંતિ, શ્રી તુલસી વિવાહ, શ્રી ગીતા જયંતિ જેવા તમામ વહેવારોની ઉજવણી પણ ખૂબ જ ધામધૂમી પૂર્વક કરવામાં આવે છે.
‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ પોતાના વિચારો વ્યકત કરતાં જણાવ્યું કે ‘આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ સમાજના સર્વાંગી વિકાસ માટે એક પ્રેરણાદાયી પીઠિકા છે. શ્રી રાધારમણદેવ શ્રી સિધ્ધેશ્વર મહાદેવ, શ્રી રણછોડરાય-ત્રિકમરાયજીની દિવ્ય હાજરી અહીંની આધ્યાત્મિક શકિતને વધારે છે, જયારે સ. ગુ. શ્રી ગોપાલાનંદ સ્વામી કૃત મહાપૂજા આ સ્થળના મહિમાને અમર બનાવે છે. અહીંની એકત્વ, શુધ્ધતા અને સેવાના સિધ્ધાંતોમાં સમાજ સુધારણા અને આધ્યાત્મિક જાગૃતિનો સમન્વય જોવા મળે છે. આ પવિત્ર સ્થળની મુલાકાતથી મનળે આંતરિક શાંતિની સાથે નવી પ્રેરણા મળી છે.
આ તકે મંદિરના શા. સ્વામી કુંજવિહારીદાસજીએ શ્રી કિરીટભાઇ ગણાત્રાનું પુષ્પમાળા, ખેસ અને શ્રી સિધ્ધેશ્વર મહાદેવની છબી અર્પણ કરી ભાવપૂર્ણ સ્વાગત કર્યુ હતું. અને હૃદયસ્પર્શી સંવાદ સાધ્યો હતો સાથે જુનાગઢ અકિલાના બ્યુરો ચીફ વિનુભાઇ જોશી, ઉપસ્થિત રહ્યા હતાં તેમ પ્રફુલભાઇ કાપડીયાની યાદીમાં જણાવાયું છે.
શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર દ્વારા ૩૬પ દિવસ અન્નક્ષેત્રનો ધમધમાટ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૫ :. શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા સદાવ્રત (અન્નક્ષેત્ર) ચાલી રહ્યું છે ૩૬પ દિવસ દર્શનાર્થી-યાત્રાળુઓને ભોજન પ્રસાદની સેવા પુરી પાડે છે. કુદરતી પ્રકોપ કે માનવ સર્જીત આફત હોય સમાજની સેવામાં મંદિર ખડે પગે હાજર હોય છે. કોરોના મહામરી, તાઉતે વાવાઝોડું કે પુર હોનારત જેવા પ્રકોપમાં તંત્રની સાથે રહી સમાજની સેવા થઇ રહી છે.મંદિર દ્વારા ગીર-ગાયનું સંવર્ધન - સંરક્ષણ પણ થઇ રહ્યું છે. નિઃશુલ્ક સ્વામિનારાયણ હોસ્પિટલ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ થઇ રહી છે. હાલમાં મંદિર પરિસરને નવીન કલેવર ધારણ કરાવી રહ્યા છે. સંપૂર્ણ મંદિરને મકરાણાના આરસ(મારબલ) થી મઢવાનું કામ, શિલ્પ-સ્થાપત્યના નમૂનારૂપ મુખ્ય પ્રવેશદ્વાર, યાત્રિકોની સુવિધામાં વધારો કરવા નૂતન શ્રી રાધારમહાદેવ, નૂતન ભોજનાલય તેમજ સભા મંડપ, સંત ઉતારા વગેરે નૂતન કાર્યો દ્વારા મંદિર પરિસર નવીન સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.
મંદિરના પૂર્વ ચેરમેન શ્રી કો. સ્વામી દેવનંદનદાસજીના માર્ગદર્શન મુજબ શ્રી રાધારમણદેવ વહીવટી સગીહિના ચેરમેન શ્રી કે. સ્વામી પી. પી. સ્વામી અને મુખ્ય કોઠારીશ્રી શા. સ્વા. પ્રેમસ્વરૂપદાસજી તથા સંતો અને હરિભકતો દ્વારા આ કાર્ય ખૂબ જ ઝડપભેર થઇ રહ્યું છે. આગામી ર૦ર૮ માં મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવના અવસરે આ નવી સુવિધાઓ યાંત્રિક દર્શનાર્થીઓ સેવામાં સ્થર્પિત થાય તેવી રીતે સત્કાર્યો સંપન્ન થઇ રહ્યા છે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
