<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

શેરબજારમાં ભારે ઉથલપાથલઃ પ્રારંભે અપ પછી ધબડકોઃ બપોરે આંશિક સુધારો

ઈન્‍ટ્રા-ડે સેન્‍સેક્‍સ ૧૧૦૦ પોઈન્‍ટ તુટયા બાદ બપોરે ૨૭૭ પોઈન્‍ટ ડાઉન

મુંબઈ,તા.૨૫: પોઝિટીવ નોટ સાથે ખૂલ્‍યા બાદ વધી તૂટયા છે. સેન્‍સેક્‍સમાં ૧૧૦૦થી વધુ પોઈન્‍ટનો કડાકો નોંધાયો છે. નિફ્‌ટીએ પણ ૩૫૦થી પોઈન્‍ટના કડાકા સાથે ૨૪૦૦૦નું લેવલ ગુમાવ્‍યું છે. માર્કેટમાં મોટા કડાકાના કારણે રોકાણકારોની મૂડીમાં આજે રૂ. ૧૦.૭૨ લાખ કરોડનું ધોવાણ થયું છે. જો કે બપોરે નુકશાની ઘટી હતી અને ૨ વાગ્‍યે સેન્‍સેક્‍સ ૨૭૭ પોઈન્‍ટ ઘટીને ૭૯૫૨૪ તથા નીફટી ૧૦૪ ઘટીને ૨૪૧૪૧ ઉપર ટ્રેડ કરી રહેલ છે.

શેરબજારમાં સાર્વત્રિક મંદીના માહોલ વચ્‍ચે આજે સ્‍મોલકેપ અને મીડકેપમાં મોટો કડાકો જોવા મળ્‍યો છે. સ્‍મોલકેપ ૧૭૬૫ પોઈન્‍ટ અને મીડકેપ ૧૪૨૪ પોઈન્‍ટના કડાકા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. બેન્‍કિંગ, રિયાલ્‍ટી, પાવર, ઓઈલ-ગેસ, ટેલિકોમ શેર્સમાં પણ મોટાપાયે વેચવાલી નોંધાતા ઈન્‍ડેક્‍સ ૨ ટકાથી વધુ તૂટયો છે.

પહલગામ આતંકી હુમલા બાદ સૌની નજર ભારત સરકાર અને તેની કાર્યવાહી પર છે. જેના પગલે રોકાણકારોએ પણ હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે. બીએસઈ ખાતે આજે કુલ ટ્રેડેડ ૩૮૭૭ શેર પૈકી માત્ર ૪૬૪ શેર નજીવા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્‍યારે ૩૨૮૨ શેર કડડભૂસ થયા છે. ૩૨૯ શેરમાં લોઅર સર્કિટ વાગી છે.

એપ્રિલ મહિનાની F&O એક્‍સપાયરીની પહેલાં માર્કેટમાં સેટલમેન્‍ટની અસર પણ જોવા મળી છે. નિફ્‌ટી મંથલી એક્‍સપાયરી ૨૮ એપ્રિલ, ૨૦૨૫ છે. તે પહેલાં રોકાણકારો સેટલમેન્‍ટ કરી રહ્યા છે. વર્તમાન સ્‍થાનિક પરિબળોને ધ્‍યાનમાં લેતાં રોકાણકારો હાલ પ્રોફિટ બુક કરી રહ્યા છે. અને નવી ખરીદી ટાળી રહ્યા છે. જેના લીધે શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીનું જોર વધ્‍યું છે.

વૈશ્વિક સ્‍તરે સકારાત્‍મક પરિબળો તેમજ ભારત-અમેરિકા વચ્‍ચે દ્વિપક્ષીય વેપાર કરાર થવાની સંભાવનાઓ વચ્‍ચે વિદેશી રોકાણકારોએ છેલ્લા સાત દિવસથી ભારતીય મૂડી બજારમાં રોકાણ વધાર્યું છે. છેલ્લા સાત દિવસમાં FIIએ રૂ. ૨૯૫૧૩ કરોડની ખરીદી નોંધાવી છે. વૈશ્વિક શેરબજારોમાં પણ સુધારોનો માહોલ જોવા મળ્‍યો છે. સ્‍થાનિક સ્‍તરે પણ જીડીપી અને ફુગાવો કાબૂના રહેવાના અહેવાલો છે

(4:07 PM IST)