તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
ગઈ કાલે બપોરે ૧૨.૧૭ વાગ્યે બેંગલોરમાં મનાવાયો ઝીરો શેડો ડે
મુંબઈમાં આ ઘટના જોવા મળશે ૧૫ મેએ કોઈ વ્યક્તિ કે ચીજ જ્યાં હોય એના પર બરાબર ૯૦ અંશના ખૂણે સૂરજનાં કિરણો પડતાં હોવાથી એનો આગળ-પાછળ પડછાયો દેખાય નહીં

બેન્ગલોર,તા.૨૫: બેન્ગલોરમાં ગઈ કાલે ઝીરો શેડો ડે ઊજવાયો હતો. સામાન્ય રીતે સૂરજ જેમ-જેમ ઊગે અને આથમે એમ-એમ સૂરજની વિરુદ્ધ દિશામાં જે-તે ચીજની આગળ-પાછળ કે સાઇડમાં પડછાયો પડતો હોય છે. ઝીરો શેડો એટલે એવો સમય જ્યારે સૂરજ એકદમ માથા પર આવી જાય અને એને કારણે થોડી ક્ષણો માટે કોઈ ચીજનો પડછાયો જમીન પર પડે નહીં. કોઈ વ્યક્તિ કે ચીજ જ્યાં હોય એના પર બરાબર ૯૦ અંશના ખૂણે સૂરજનાં કિરણો પડતાં હોવાથી એનો આગળ-પાછળ પડછાયો દેખાય નહીં.
આવી ઘટના ગઈ કાલે બેન્ગલોરમાં બપોરે ૧૨-૧૭ વાગ્યે જોવા મળી હતી. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સના સાયન્ટિસ્ટોના કહેવા અનુસાર જ્યારે સૂરજ એકદમ ઊંચે પહોંચી જાય છે ત્યારે શેડો ન પડતો હોવાથી એને ઝીરો શેડો ડે કહેવાય છે.
ભારતમાં આ ઘટના એ દરેક જગ્યાએ જોવા મળે છે જે કર્કરેખાથી દક્ષિણમાં આવેલી છે, જેમ કે બેન્ગલોર, ચેન્નઈ અને મેન્ગલોર જેવાં શહેરોમાં વર્ષમાં બે વાર ઝીરો શેડો ડે હોય છે. બેન્ગલોરમાં ૨૪ કે ૨૫ એપ્રિલ અને ૧૮ ઓગસ્ટની આસપાસ આ દિવસ હોય છે.
આ ખગોળીય ઘટનાનો નઝારો માત્ર થોડી મિનિટો માટે જ જોવા મળે છે. જોકે અલગ-અલગ શહેરોમાં એનો સમય પણ અલગ-અલગ હોય છે. ચેન્નઈ અને ત્રિવેન્દ્રમમાં એ લાંબો સમય જોવા મળે છે, કેમ કે એ શહેર કર્કરેખાની સાથે ભૂમધ્ય રેખાની આસપાસના ક્ષેત્રમાં પણ આવે છે.
મુંબઈમાં આ ઘટના ૧૫ મે અને ૨૮ જુલાઈ એમ બે દિવસ જોવા મળશે.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
