<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

જાણીને ચોંકી જશો : ન્યૂ યોર્ક અમેરિકાનું સૌથી ગંદુ શહેર જાહેર! જંતુઓ અને કચરાની માત્રા દેશમાં સૌથી વધુ

યુએસ એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સીના ડેટા આધારિત નવા અહેવાલમાં ૪૦ શહેરોની યાદીમાં ન્યૂ યોર્ક ટોચ પર : લોસ એન્જલસ બીજા ક્રમે

વોશિંગ્ટન: સામાન્ય રીતે ભારત અને અન્ય દેશોમાં શહેરોને ન્યૂ યોર્ક કે પેરિસ જેવા સ્વચ્છ અને આધુનિક બનાવવાની વાત કરવામાં આવે છે. ન્યૂ યોર્કને અમેરિકાના શ્રેષ્ઠ શહેરોમાંનું એક માનવામાં આવે છે અને વિશ્વભરના પ્રવાસીઓ તેની મુલાકાત લે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ જ ન્યૂ યોર્ક અમેરિકાનું સૌથી ગંદુ શહેર જાહેર થયું છે. દેશના અન્ય કોઈપણ શહેરની સરખામણીમાં અહીં સૌથી વધુ જંતુઓ અને કચરો જોવા મળે છે.
આ ચોંકાવનારો ખુલાસો કોઈ સામાન્ય વ્યક્તિ દ્વારા નહીં, પરંતુ અમેરિકાની એક સફાઈ સેવા કંપની દ્વારા કરવામાં આવ્યો છે. બિઝી બી નામની આ કંપનીએ સરકારી ડેટાની સમીક્ષાના આધારે આ તારણ કાઢ્યું છે. સમાચાર એજન્સી શિન્હુઆના અહેવાલ અનુસાર, યુએસ પર્યાવરણીય સંરક્ષણ એજન્સી (યુએસ ઇપીએ)ના ડેટા અનુસાર તૈયાર કરવામાં આવેલા એક નવા અહેવાલમાં જંતુઓ અને કચરાના આધારે સમગ્ર અમેરિકાના ૪૦ શહેરોની યાદી આપવામાં આવી છે.
આ યાદીમાં 'બિગ એપલ' તરીકે પ્રખ્યાત ન્યૂ યોર્ક સિટી ૪૨૭.૯ ના સ્કોર સાથે સૌથી ગંદા શહેરોમાં ટોચ પર છે. જ્યારે લોસ એન્જલસ ૩૧૭.૮ પોઈન્ટ સાથે બીજા ક્રમે આવે છે. રિપોર્ટ અનુસાર, ન્યૂ યોર્કના લગભગ ૯૦ લાખ ૪૦૦૦ ઘરોમાં શેરીઓ અથવા મિલકતો પર કચરો જોવા મળે છે, અને આશરે ૨૩ લાખ ઘરોમાં ઉંદરો અથવા વંદો મળી આવ્યા છે. વસ્તી ગીચતાની દ્રષ્ટિએ પણ ન્યૂ યોર્ક પ્રથમ ક્રમે છે, જ્યાં પ્રતિ ચોરસ માઇલ પર અંદાજે ૨૮,૦૦૦ લોકો રહે છે. આ ગીચ વસ્તી અને કચરાના યોગ્ય વ્યવસ્થાપનના અભાવે ન્યૂ યોર્કને અમેરિકાનું સૌથી ગંદુ શહેર બનાવ્યું હોવાનું માનવામાં આવે છે.

 

(6:06 PM IST)