<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

સિંધુ જળ સંધિ સ્થગિત થયા બાદ પાકિસ્તાનનું પાણી કેવી રીતે રોકાશે? ભારતનો સંપૂર્ણ પ્લાન સામે આવ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી શાહ, વિદેશ મંત્રી જયશંકર અને જળ શક્તિ મંત્રી પાટીલની બેઠકમાં પાકિસ્તાન તરફ જતું પાણી રોકવાના ત્રણ તબક્કાના પ્લાન પર વિસ્તૃત ચર્ચા : તાત્કાલિક, મધ્યમ અને લાંબા ગાળાની યોજનાઓ તૈયાર

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી સમગ્ર દેશમાં આક્રોશ છે. ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરતા સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી છે. હવે પાકિસ્તાનનું પાણી કેવી રીતે રોકવામાં આવશે? આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સિંધુ જળ સંધિ હેઠળ પાકિસ્તાન તરફ જતા પાણીને રોકવાના પ્લાન પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ચાલો જાણીએ કે આ સંપૂર્ણ પ્લાન શું છે?
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે જણાવ્યું હતું કે બેઠકમાં સિંધુ જળ સંધિ રદ થયા બાદ પાકિસ્તાનનું પાણી રોકવા માટે ત્રણ પ્લાન પર કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પ્રથમ - ઇમીડિએટ એક્શન એટલે કે તાત્કાલિક કાર્યવાહી, બીજું - મિડ ટર્મ પ્લાન એટલે કે મધ્યમ અવધિની યોજના અને ત્રીજું - લોંગ ટર્મ પ્લાન એટલે કે લાંબા ગાળાની યોજના બનાવવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાનને એક પણ ટીપું પાણી નહીં મળે તેની ખાતરી કરવામાં આવશે.
સિંધુ જળ સંધિ સ્થગિત કરવાના નિર્ણય બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં વિદેશ મંત્રી એસ જયશંકર, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલ સહિત બંને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક પહેલાં સીઆર પાટીલે પોતાના મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને તેમની પાસેથી પ્રેઝન્ટેશન દ્વારા તમામ માહિતી મેળવી હતી.
સીઆર પાટીલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠકમાં સિંધુ જળ સંધિ સંબંધિત તમામ માહિતી આપી હતી. હાલમાં કયા હાઇડ્રો પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે? તેમની વર્તમાન સ્થિતિ શું છે અને પ્રોજેક્ટ્સને કેવી રીતે ઝડપી બનાવી શકાય છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ કેન્દ્રીય જળ શક્તિ મંત્રીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે પાકિસ્તાન જતું પાણી રોકવામાં આવશે. આ માટે ત્રણ તબક્કામાં નિર્ણય લાગુ કરવામાં આવશે, જેથી પાકિસ્તાનને એક પણ ટીપું પાણી ન જાય.
સીઆર પાટીલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જ્યારે વડાપ્રધાન અને ગૃહમંત્રીએ નક્કી કરી લીધું છે તો તે થઈને જ રહેશે. વિગતવાર યોજના શું છે તે તેમણે જાહેર કરી નથી, પરંતુ પાણીના ડાયવર્ઝન, હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ અને આવનારા સમયમાં ડેમ અને નહેર બનાવીને આ કામ પૂર્ણ કરવામાં આવશે.

 

(8:28 PM IST)