<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

રશિયન જનરલને યુક્રેની એજન્‍ટે બોમ્બથી ઉડાવ્યા

પોતાના ઘર આંગણે અધિકારીની હત્‍યાથી રશીયા ધુંવા પુઆઃ એકની ધરપકડ

નવી દિલ્‍હીઃ યુક્રેનના શહેરો પર ભીષણ હુમલા વચ્ચે રશિયાએ દાવો કર્યો કે, અમે એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે, જે મૉસ્કો પાસે અમારા એક વરિષ્ઠ સૈન્ય અધિકારીની હત્યામાં સામેલ હતો. રશિયાના ફેડરલ સિક્યોરિટી સર્વિસ અનુસાર, આ હુમલો યુક્રેનથી છોડવામાં આવેલો રિમોટ-કંટ્રોલ કાર બોમ્બ હતો. જેનો ભયાનક હુમલાનો વીડિયો પણ સામે આવ્યો છે. 

મળતી માહિતી મુજબ, કારમાં વિસ્ફોટક ઉપકરણ ભરીને પાર્ક કરવામાં આવી હતી. જેવા મેજર જનરલ યારોસ્લાવ મોસ્કાલિક ઘરથી બહાર નીકળ્યા, વિસ્ફોટકને રિમોટ દ્વારા એક્ટિવ કરી દેવામાં આવ્યું. જ્યારે તે કારમાં સવાર હતાં, બોમ્બ ફાટ્યો અને કારના ચીથરા ઉડી ગયાં. મોસ્કાલિક રશિયન જનરલ સ્ટાફના મુખ્ય કામગીરી નિર્દેશાલયના ડેપ્યુટી ચીફ હતા.આ ભયાનક વિસ્ફોટમાં જનરલ મોસ્કાલિકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. ઘટના બાલાશિખા વિસ્તારમાં બની હતી, જે મૉસ્કોના બહારના ભાગમાં સ્થિત છે. 

ધરપકડ કરાયેલી વ્યક્તિની ઓળખ ઇગ્નાટ કુઝિન (41) તરીકે થઈ છે, જેને રશિયાએ યુક્રેનના ગુપ્તચર એજન્સીનો કથિત એજન્ટ ગણાવ્યો છે. કુઝિનની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જોકે, યુક્રેન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે નથી આવી. 

(12:50 PM IST)