News of Sunday, 27th April 2025
"ચાલો કાશ્મીર જઈએ, હું આવ્યો છું, તમારે પણ આવવું જોઈએ': અભિનેતા અતુલ કુલકર્ણી પહોંચ્યો પહેલગામ
બૉલીવુડ અભિનેતા અતુલ કુલકર્ણીએ અન્ય લોકોને પણ કાશ્મીર જવા અને આતંકવાદને હરાવવા અપીલ કરી

મુંબઈ :પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યા બાદ કાશ્મીરમાં પર્યટનમાં ભયનો માહોલ સર્જાયો છે અને લોકો ત્યાંથી પાછા ફરી રહ્યા છે. આ દરમિયાન બોલિવૂડ અભિનેતા અતુલ કુલકર્ણી કાશ્મીર પહોંચ્યા છે અને લોકોને ત્યાં જવાની અપીલ કરી છે.
પહેલગામ હુમલા બાદ દેશભરમાં રોષની લાગણી વ્યાપી છે. દેશભરના લોકો આતંકવાદ સામે કાર્યવાહીની માગ કરી રહ્યા છે. ઉપરાંત, આ હુમલાની અસર જમ્મુ અને કાશ્મીરના પર્યટન પર પણ જોવા મળી રહી છે. કાશ્મીર પહોંચેલા પ્રવાસીઓ કાં તો શક્ય તેટલી વહેલી તકે જવાનો પ્રયાસ કરી રહ્યા છે અથવા પાછા ફરી રહ્યા છે. તો આ ઘટના પછી, લોકો હાલમાં જમ્મુ અને કાશ્મીર જતા પણ ગભરાઇ રહ્યા છે. તેવામાં બોલિવૂડ અભિનેતા અતુલ કુલકર્ણી પહેલગામ હુમલાના 5 દિવસ બાદ જ કાશ્મીરના પ્રવાસે પહોંચ્યા છે. આ સાથે કાશ્મીરના પ્રવાસે આવતા તમામ પ્રવાસીઓને ખાસ અપીલ પણ કરી છે.
બોલિવૂડ અભિનેતા અતુલ કુલકર્ણી એ કાશ્મીર અને તેના લોકોનું સમર્થન કરતા પણ જોવા મળ્યા હતા. અતુલ કુલકર્ણીએ અન્ય લોકોને પણ કાશ્મીર જવા અને આતંકવાદને હરાવવા અપીલ કરી છે. અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની સફર સાથે જોડાયેલી ઘણી સ્ટોરીઓ પણ શેર કરી છે. જેમાં તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ટિકિટ અને ફ્લાઇટના ફોટા તેમજ કાશ્મીર પહોંચવાના, પહેલગામ પહોંચવાના અને ત્યાં ફરવાના ફોટા શેર કર્યા છે. દરેક સ્ટોરીમાં તેમણે 'ચાલો કાશ્મીર જઈએ' ટેગનો ઉપયોગ કર્યો છે. આ સાથે અતુલ કુલકર્ણીએ પોતાની સ્ટોરીમાં ફ્લાઇટની અંદરનો એક ફોટો શેર કર્યો છે, જેમાં મોટાભાગની સીટો ખાલી જોવા મળે છે. આ તસવીર શેર કરતા અભિનેતાએ કેપ્શનમાં લખ્યું, "આ ફ્લાઇટ્સ ભરેલી હતી. આપણે તેને ફરીથી ભરવી પડશે. આતંકને હરાવવો પડશે."
આ દરમિયાન અતુલ કુલકર્ણી પણ ઝેલમ નદી પર પહોંચ્યા. અહીં તેમણે નદી કિનારે ઉભા રહીને પોતાનો ફોટો પણ ક્લિક કરાવ્યો. સાથે જ એક વીડિયો પણ શેર કર્યો. આ સમય દરમિયાન તેમણે લખ્યું, "ચાલો કાશ્મીર જઈએ, હું આવ્યો છું, તમારે પણ આવવું જોઈએ. આવવું જરૂરી છે." સ્વાભાવિક છે કે, આ ફોટા અને વીડિયો દ્વારા, અતુલ કુલકર્ણી લોકોને જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે અને તેમને આતંકવાદી હુમલાઓથી નહીં ડરવાની સલાહ આપી રહ્યા છે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
