<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

પહેલગામમાં જીવ ગુમાવનાર લોકોના પરિવાર સાથે આખો દેશ તેમના દુઃખમાં સામેલઃ સરકાર આતંકવાદ સામેની લડાઇમાં પ્રતિબધ્‍ધઃ નરેન્‍દ્રભાઇ

આતંકવાદ સામેની લડાઈમાં સમગ્ર વિશ્વ ભારત સાથેઃ પીડિત પરિવારોને મન કી બાતમાં સાંત્‍વના પાઠવતા વડાપ્રધાન

નવી દિલ્‍હી, તા. ર૯: વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ‘મન કી બાત' કાર્યક્રમના ૧૨૧ મા એપિસોડમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં ૨૬ નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્‍યા હતા. તેમણે આ હુમલાને જઘન્‍ય ગણાવ્‍યો હતો અને પીડિત પરિવારો પ્રત્‍યે સંવેદના વ્‍યક્‍ત કરી હતી. વડાપ્રધાને ખાતરી આપી હતી કે આ હુમલાના પીડિતોને ચોક્કસ ન્‍યાય મળશે.

વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત' કાર્યક્રમમાં કહ્યું હતું કે, ‘પહેલગામ હુમલામાં ૨૬ નિર્દોષ લોકોના મોતથી મને ખૂબ જ પીડા થઈ છે. આ હુમલાથી દેશભરમાં આક્રોશ ફેલાયો છે અને સમગ્ર વિશ્વએ આ જઘન્‍ય કળત્‍યની સખત નિંદા કરી છે. આતંકવાદ સામેની લડાઈમાં સમગ્ર વિશ્વ ૧૪૦ કરોડ ભારતીયો સાથે ઉભું છે.' તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘અમારી સરકાર આતંકવાદ સામેની લડાઈમાં પ્રતિબદ્ધ છે અને અમે પીડિત પરિવારોને ન્‍યાય અપાવવા માટે તમામ શકય પ્રયાસો કરીશું.'

વડાપ્રધાન મોદીએ આ હુમલામાં જીવ ગુમાવનારા પ્રવાસીઓના પરિવારો પ્રત્‍યે સંવેદના વ્‍યક્‍ત કરી હતી અને કહ્યું હતું કે આ દુઃખની ઘડીમાં સમગ્ર દેશ તેમની સાથે છે. તેમણે સુરક્ષા દળોના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેઓ આતંકવાદ સામેની લડાઈમાં સતત કાર્યરત છે.

(11:47 AM IST)