<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

ભારત-પાકિસ્તાન તણાવ : ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં દાવો, ભારત આ કાર્યવાહી કરવા જઈ રહ્યું છે!

પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો : ભારતીય કાર્યવાહી માટે વૈશ્વિક સ્તરે સમર્થન મળ્યું : સુરક્ષા વ્યવસ્થા સઘન

નવી દિલ્હી: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારની રેલી દરમિયાન આતંકવાદીઓ અને આતંકને પોષનારાઓ સામે ખુલ્લેઆમ કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. બીજી તરફ પાકિસ્તાને પણ ભારતીય કાર્યવાહીનો જવાબ આપવા માટે પોતાની સૈન્ય તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે પેદા થયેલા આ તણાવને લઈને અમેરિકાના ન્યૂયોર્ક ટાઈમ્સે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, ભારતને સૈન્ય કાર્યવાહી માટે વૈશ્વિક સ્તરે સમર્થન મળી ચૂક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરના ડઝનબંધ દેશોના નેતાઓ સાથે વાતચીત કરીને ભારતનો દૃષ્ટિકોણ સ્પષ્ટપણે રજૂ કર્યો છે. આ સાથે જ લગભગ 100 વિદેશી મિશનના રાજદ્વારીઓને વિશેષ બ્રીફિંગ પણ આપવામાં આવી છે.
વૈશ્વિક સહમતિ ભારતની તરફેણમાં
રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 2016 અને 2019માં પણ જ્યારે ભારતે સરહદ પારના આતંકવાદી ઠેકાણાઓ પર કાર્યવાહી કરી હતી, ત્યારે આંતરરાષ્ટ્રીય સમુદાયનું વ્યાપક સમર્થન મળ્યું હતું. વર્તમાન પરિસ્થિતિમાં પણ વૈશ્વિક સહમતિ ભારતની તરફેણમાં જોવા મળી રહી છે, જેના કારણે પાકિસ્તાન વિરુદ્ધ સંભવિત સૈન્ય પગલાં ભરવામાં કોઈપણ પ્રકારની રાજદ્વારી અવરોધની આશંકા નથી.
દરમિયાન, જમ્મુ-કાશ્મીરમાં સાવચેતીના પગલાં હેઠળ બંકરોની સફાઈ અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવામાં આવી રહી છે. સ્થાનિક નાગરિકોને સતર્ક રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે. સેના અને અર્ધસૈનિક દળોએ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકો દ્વારા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલયે પણ તમામ એજન્સીઓને એલર્ટ મોડ પર રાખ્યા છે.

(1:15 PM IST)