<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

ભુજના સ્મૃતિવનના મિયાવાકી ફોરેસ્ટ પર આનંદ મહિન્દ્રા ઓળઘોળ : વીડિયો સાથે ટ્વીટ કરી પ્રશંસા કરી : જુઓ વિડીયો

ભુજિયા ડુંગર પર ૧૭૦ એકરમાં પથરાયેલું ૪.૫૦ લાખ વૃક્ષોનું ગાઢ જંગલ વિશ્વનું સૌથી મોટું કૃત્રિમ વન બન્યું : કોર્પોરેટ જગતના માંધાતાએ મુલાકાત લઈ વખાણ કર્યા

(વિનોદ ગાલા દ્વારા ભુજ): કચ્છમાં ૨૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપની સ્મૃતિને કાયમી રાખવા માટે ભુજના ભુજિયા ડુંગર પર વિકસાવવામાં આવેલું સ્મૃતિવનનું મિયાવાકી જંગલ આજે વિશ્વભરમાં ખ્યાતિ પામી ચૂક્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભુજિયા ડુંગર પર સ્મૃતિ વન મ્યુઝિયમની સ્થાપના સાથે જ અહીં ગાઢ જંગલ બનાવીને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. હવે આ મિયાવાકી ફોરેસ્ટ વિશ્વનું સૌથી મોટું કૃત્રિમ જંગલ બની ગયું છે, તેવી માહિતી સાથે ટોચના કોર્પોરેટ જગતના અગ્રણી આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર ટ્વીટ કરીને આ જંગલની પ્રશંસા કરી છે. તેમણે સ્મૃતિવનની મુલાકાત લીધા બાદ તેના ફોટા અને વીડિયો પણ પોસ્ટ કર્યા છે. ૧૭૦ એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું અને આશરે સાડા ચાર લાખ વૃક્ષો સાથે ઝડપથી ગાઢ જંગલમાં પરિવર્તિત થઈ રહેલું આ વન જાપાનના વનસ્પતિ શાસ્ત્રી ડો. અકિરા મિયાવાકીના નામ પરથી મિયાવાકી જંગલ તરીકે ઓળખાય છે.
આ વિશેષ જંગલમાં વિવિધ પ્રકારની વનસ્પતિ અને વૃક્ષોને એકબીજાની ખૂબ જ નજીક રોપવામાં આવે છે, જેના કારણે થોડા જ વર્ષોમાં આ વાવેતર ગાઢ જંગલમાં ફેરવાઈ જાય છે. મિયાવાકી પદ્ધતિથી માત્ર બે થી ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં ગાઢ જંગલો ઊભા કરી શકાય છે. રાજ્ય સરકારના પર્યાવરણ વિભાગના સહયોગથી, ભારતના ‘ગ્રીન હીરો’ તરીકે જાણીતા ડો. રાધાકૃષ્ણન નાયરે આ જંગલના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. નોંધનીય છે કે ડો. નાયર દ્વારા આ પ્રકારના ૧૧૫ જેટલા ગાઢ કૃત્રિમ જંગલોનું નિર્માણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. ભુજિયા ડુંગર પર આવેલું આ મિયાવાકી જંગલ ખરેખર વિશ્વનું સૌથી મોટું માનવસર્જિત જંગલ છે. આ જંગલને કારણે પર્યાવરણને ઘણો મોટો ફાયદો થઈ રહ્યો છે. તે વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઈડને શોષી લે છે, જેની સ્પષ્ટ અસર ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત, તે સ્થાનિક વન્યજીવન માટે પણ આશીર્વાદરૂપ સાબિત થયું છે અને જૈવવિવિધતા તેમજ ઇકોલોજીકલ સંતુલન જળવાઈ રહ્યું છે. તેનાથી હવાની ગુણવત્તાનો સૂચકાંક (એર ક્વોલિટી ઇન્ડેક્સ) પણ સુધર્યો છે.

 

(7:01 PM IST)