AMC નું મેગા ઓપરેશન! : અમદાવાદના ચંડોળા તળાવમાં ‘મિની બાંગ્લાદેશ’ પર અમદાવાદ કોર્પોરેશનનું બુલડોઝર ફરશે : ઓપરેશન ક્લિન શરૂ
ગેરકાયદે બાંધકામો તોડવા 80 JCB અને 60 ડમ્પર સાથે 2000 પોલીસ જવાનો તૈનાત : ચાંપતો બંદોબસ્ત

અમદાવાદ, 29 એપ્રિલ 2025: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો અને વસાહતો સામે ‘ઓપરેશન ક્લિન’ની મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ વિસ્તાર, જે ‘મિની બાંગ્લાદેશ’ તરીકે કુખ્યાત છે, ત્યાં ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ અને કાચા-પાકા મકાનોને તોડી પાડવા માટે AMCએ 80 JCB મશીનો, 60 ડમ્પર અને 2000થી વધુ પોલીસ જવાનોની ટીમ તૈનાત કરી છે. આ કાર્યવાહીમાં અમદાવાદ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને AMCના તમામ સાત ઝોનના અધિકારીઓ સંયુક્ત રીતે જોડાયા છે.
બાંગ્લાદેશીઓની તપાસ અને ડિપોર્ટેશનની કાર્યવાહી:
ચંડોળા તળાવ વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી ગેરકાયદે બાંધકામો અને બાંગ્લાદેશીઓની વસાહતો અંગે ફરિયાદો મળી રહી હતી. તાજેતરના પહલગામ આતંકી હુમલા બાદ પોલીસે આ વિસ્તારમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની શોધખોળ તેજ કરી છે. છેલ્લા બે દિવસમાં 890 લોકોની તપાસ કરવામાં આવી, જેમાંથી 143 બાંગ્લાદેશી તરીકે ઓળખાયા હતા. આ ઉપરાંત, 200 લોકોની ઓળખ ચકાસણી બાદ તેમને મુક્ત કરાયા, જ્યારે 590 લોકો પાસે પાસપોર્ટ હોવાનું જણાયું. ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓને તેમના દેશ પરત મોકલવાની કાર્યવાહી ચાલુ છે.
AMCએ આ ઓપરેશન હેઠળ ગેરકાયદે મિલકતોના વીજ કનેક્શન કાપી નાખ્યા છે અને ક્રાઈમ બ્રાન્ચે વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. સોલિડ વેસ્ટ અને ઈજનેરી વિભાગની ટીમો સવારે 7 વાગ્યાથી બુલડોઝર સાથે કાર્યવાહીમાં જોડાઈ છે. આ ઓપરેશન આખો દિવસ ચાલશે અને મોડી રાત સુધી વિસ્તારને ખાલી કરી દેવાશે. પ્રથમ તબક્કામાં 100 ગેરકાયદે બાંગ્લાદેશીઓના દબાણો પર બુલડોઝર ફરશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ કાર્યવાહી પર સતત નજર રાખી રહ્યા છે. રાત્રે 11 વાગ્યે JCB અને ડમ્પરનો કાફલો ખડકાયો હતો, જેની સાથે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. આ કાર્યવાહી ગુજરાતમાં ગેરકાયદે વસાહતો અને બાંધકામો સામેની સૌથી મોટી કવાયત માનવામાં આવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
