<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

'ધ ફેમિલી મેન' સિરીઝના અભિનેતા રોહિત બાસફોરનું નિધન : પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી :ઓટોપ્સી રિપોર્ટમાં મોટા ખુલાસા

ઓટીટી વેબ સિરીઝ અને પ્રાદેશિક ટેલિવિઝન શોમાં કામ કરી ચૂકેલા રોહિત બાસફોરનો મૃતદેહ જંગલમાંથી મળ્યો : શરીર પર ઈજાઓના નિશાનથી હત્યાની શંકા : પોલીસ તપાસ શરૂ

ગુવાહાટી: મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા અભિનેતા રોહિત બાસફોરનું નિધન થયું છે. રોહિતે લોકપ્રિય ઓટીટી વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન' સહિત અનેક પ્રાદેશિક ટેલિવિઝન શોમાં કામ કર્યું હતું. રવિવારે સાંજે તેમનો મૃતદેહ ગુવાહાટી નજીકના ગરभंगा જંગલમાં એક ઝરણા પાસેથી મળી આવ્યો હતો. તેમના પરિવારે રોહિતની મોતને હત્યા ગણાવી છે.

ઓડિશા બાઇટ્સ અનુસાર, રોહિત બાસફોર થોડા મહિના પહેલાં જ મુંબઈથી ગુવાહાટી આવ્યા હતા. પરિવારનું કહેવું છે કે રવિવારે બપોરે લગભગ 12.30 વાગ્યે તે તેના મિત્રો સાથે એક દિવસની ટ્રીપ પર નીકળ્યા હતા. જો કે, જ્યારે સાંજે પરિવારનો રોહિત સાથે કોઈ સંપર્ક ન થયો ત્યારે તેમને ચિંતા થવા લાગી. બાદમાં એક મિત્રએ પરિવારને અકસ્માતની જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે રોહિતને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમને બચાવી શકાયા નહોતા.

'ધ ફેમિલી મેન 3'ના અભિનેતા રોહિતના મૃત્યુ બાદ પરિવારે કેટલાક લોકો પર હત્યાનો આરોપ લગાવ્યો છે. પરિવારનો દાવો છે કે તાજેતરમાં જ રોહિતને રણજીત બાસફોર, અશોક બાસફોર અને ધરમ બાસફોર નામના ત્રણ વ્યક્તિઓ સાથે પાર્કિંગને લઈને વિવાદ થયો હતો. ત્રણેયે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અભિનેતાના સંબંધીઓએ એક જિમ માલિક પર પણ હત્યાની આશંકા વ્યક્ત કરી છે, જેણે તેમને આઉટિંગ માટે બોલાવ્યા હતા.

ચોંકાવનારી વાત એ છે કે ઓટોપ્સી રિપોર્ટમાં અભિનેતાના શરીર પર અનેક ઈજાઓના નિશાન પણ જોવા મળ્યા છે. પોલીસે હત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસનું કહેવું છે કે રોહિતના માથા, ચહેરા અને શરીરના ઘણા ભાગોમાં ઈજાઓ જોવા મળી છે. આ મામલામાં ચાર આરોપી ફરાર છે. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. રોહિતે હિટ વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન 3'માં કામ કર્યું હતું.

(9:33 AM IST)