તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
પાકિસ્તાને પોતાના ‘‘પગ ઉપર કુહાડો માર્યો'' એર સ્પેસ બંધ કરતાં રોજનું કરોડોનું નુકસાન
ઉતાવળે નિર્ણય હવે માથે પડયો

નવી દિલ્હી તા.૨૯: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઘણા કડક નિર્ણયો લીધા, જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો પણ સમાવેશ થાય છે. જવાબમાં, પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું. પાકિસ્તાનને લાગ્યું કે ભારતીય ફ્લાઇટ્સ માટે એરસ્પેસ બંધ કરીને, તે ભારતના ઉડ્ડયન ક્ષેત્રને નુકસાન પહોંચાડી શકે છે. જોકે, ભારત માટે મુશ્કેલી ઊભી કરવાને બદલે, પાકિસ્તાને આ કરીને પોતાના પગ પર કુહાડો માર્યો. ભારતીય ફ્લાઇટ્સ પાકિસ્તાનના આકાશમાંથી ઉડાન ભરતી ન હોવાથી, પાકિસ્તાનને ઓવરફ્લાઇટ ફી મળતી ન હોવાથી તેને દરરોજ ૨.૫ કરોડથી ૬.૫ કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
બોઇંગ ૭૩૭ વિમાન માટે ૪૯,૩૦૪ રૂપિયા ચૂકવવા પડશે
ભારતથી ઉડાન ભરતા બોઇંગ ૭૩૭ વિમાનોને પાકિસ્તાન ઉપરથી પસાર થવા પર ઓવરફ્લાઇટ ફી તરીકે લગભગ ૪૯,૩૦૪ રૂપિયા ચૂકવવા પડે છે. મોટા વિમાનો માટે આ ફી વધારે છે. ૨૦૧૯ માં પુલવામા હુમલા બાદ થયેલા હવાઈ હુમલા પછી પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું, જેના કારણે ઓવરફ્લાઇટ ફી, લેન્ડિંગ અને ર્પાકિંગ જેવા અન્ય ફી ઉમેર્યા બાદ પાકિસ્તાન ઉડ્ડયન નિયમનકાર CAA અને પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સને દરરોજ ૬.૪ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. હવે, પહેલગામ હુમલા પછી હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે પાકિસ્તાન ફરીથી આવા જ નુકસાનનો સામનો કરી રહ્યું છે.
ભાડા વધારાનો ડર
એર ઇન્ડિયા અને ઇન્ડિગો જેવી કંપનીઓ અમેરિકા અને યુરોપ જતી કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં સમસ્યાઓનો સામનો કરી રહી છે. દિલ્હી, અમળતસર, જયપુર, લખનૌ અને વારાણસી જેવા શહેરોથી ઉડાન ભરતી ફ્લાઇટ્સને હવે અરબી સમુદ્ર ઉપરનો લાંબો રસ્તો અપનાવવો પડે છે. નવા રૂટને કારણે, અમેરિકા અને યુરોપની ફ્લાઇટ્સમાં લગભગ ૨ થી ૨.૫ કલાક વધુ સમય લાગશે. આનાથી ઇંધણનો ખર્ચ વધ્યો છે અને ભાડામાં વધારો થવાનો ભય છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે સરકાર પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે. તેમણે કહ્યું કે જો ભાડામાં મોટો વધારો થશે તો સરકાર તેની તપાસ કરશે.(૩૮.૮)
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
