<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

૩૫ વર્ષથી ભારતમાં રહેતી મહિલાને દેશ છોડવાની નોટિસ મળતા રડી પડી

મને મારા પતિ અને બાળકોથી અલગ ન કરો

બલાંગીર તા.૨૯: મને ભારતથી અલગ ન કરો... આ એ મહિલાના શબ્‍દો છે જે પાકિસ્‍તાનની રહેવાસી છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે ભારતમાં રહે છે. જમ્‍મુ-કાશ્‍મીરના પહલગામમાં હુમલા બાદ ભારત સરકારે તમામ પાકિસ્‍તાનીઓને દેશ છોડીને જતા રહેવાનું કહ્યું ત્‍યારે ઓડિશાના બલાંગીરમાં રહેતી શારદા કુકરેજાની ઊંઘ ઉડી ગઈ. તેને સમજ ન આવ્‍યું કે તે ભારત છોડીને પાકિસ્‍તાન કેવી રીતે જશે. તે કોઈપણ કિંમતે આતંકવાદી દેશમાં પરત જવા માંગતી નથી.

શારદા કુકરેજા રડી પડી. તેણે કહ્યું કે, છેલ્લા ૩૫ વર્ષથી હું આ જ પરિવાર સાથે રહું છું. મારી પાસે પાકિસ્‍તાની પાસપોર્ટ અને ભારતનું વોટર આઈડી કાર્ડ પણ છે. મારો પાકિસ્‍તાન સાથે કોઈ સંબંધ નથી. ભારત મારું છે અને હું તેને છોડીને જવા માંગતી નથી. મારો આખો પરિવાર અહીં ભારતમાં છે. રડતાં રડતાં શારદા કુકરેજાએ ભારત સરકારને વિનંતી કરી કે મહેરબાની કરીને મને મારા પરિવારથી, આ દેશથી મને અલગ ન કરો.

શારદાના પતિ મહેશ કુકરેજા પણ તેની સાથે અહીં રહે છે. તેમની એક દીકરી અને એક દીકરો પણ છે. શારદા કુકરેજાએ કહ્યું, હું ભારતમાં છેલ્લા ૩૫ વર્ષથી રહું છું. મારું બધું અહીં છે. મારા લગ્ન અહીં થયા, મારા બાળકો અહીં છે. હું પાકિસ્‍તાન પાછી જવા માંગતી નથી. ભારત જ મારું ઘર છે.

જ્‍યારે તેમને પૂછવામાં આવ્‍યું કે તેઓ પાકિસ્‍તાન છોડીને શા માટે આવ્‍યા હતા, ત્‍યારે શારદાએ કહ્યું કે, કોઈ કારણ હશે. તે સમયે અમે નાના હતા. પરિવારના લોકોએ કંઈક વિચાર્યું હશે. આખો પરિવાર અહીં આવી ગયો હતો. સરદાનો દુઃખ હવે આખા વિસ્‍તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે. સ્‍થાનિક લોકો પણ તેના સમર્થનમાં અવાજ ઉઠાવી રહ્યા છે. તેઓ નથી ઈચ્‍છતા કે સરદાને પાકિસ્‍તાન પાછી મોકલવામાં આવે.(૩૮.૩)

(9:58 AM IST)