<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

એપ્રિલ પૂરો થવા આવ્‍યો છતાં આઈટી રિટર્ન ફોર્મના ઠેકાણા ન પડતાં હાલાકી

ફોર્મ મોડા બહાર પાડવાના લીધે સમયસર રિટર્ન ભરવામાં થતી તકલીફ : વખતો વખતની રજૂઆત કરવા છતાં ફોર્મ બહાર પાડવામાં દર વખતે વિલંબ

મુંબઇ તા.૨૯: નાણાકીય વર્ષ શરૂ થવાના થોડા દિવસોમાં આઇટી રિટર્ન ભરવાના ફોર્મ બહાર પાડી દેવાના બદલે રિટર્ન ભરવાને આડે એકથી દોઢ મહિનો બાકી હોય ત્‍યારે જ ફોર્મ બહાર પાડવામાં આવતા હોય છે. તેના લીધે કરદાતાઓને રિટર્ન ભરવામાં તકલીફ પડતી હોય છે અથવા તો કેટલીક વખત પૂરતી વિગતો રજૂ કરવામાં આવતી નહીં હોવાના લીધે કરદાતાઓને નોટિસ પણ મળવાની શકયતા રહેલી છે. આજ કારણોસર દર વખતે રિટર્ન ભરવા માટેના ફોર્મ ઝડપથી બહાર પાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવતી હોય છે.

આઇટી રિટર્ન ભરવા માટે પૂરતો સમય આપવામાં આવતો નહીં હોવાના લીધે દર વખતે ઝડપથી આઇટી રિટર્નના ફોર્મ બહાર પાડવા માટે રજૂઆત કરવામાં આવતી હોય છે. તેમ છતાં જૂનના બીજા સપ્તાહમાં જ ફોર્મ બહાર પાડવામાં આવતા હોય છે. ત્‍યારબાદ રિટર્ન ભરવા માટે દોઢ મહિનાનો સમય જ બાકી રહેતો હોવાના લીધે કરદાતાઓને તકલીફ થતી હોય છે. ગત વર્ષે પણ રિટર્ન ભરવાની સમયમર્યાદા વધારવા માટે વખતોવખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમય વધારો કરવામાં આવ્‍યો નહોતો. આ ઉપરાંત રિટર્ન ભરવામાં બે મહિના કરતાં વધુ સમયગાળો આપવામાં  આવે તેવી માંગણી છેલ્લા કેટલાક વખતથી કરવામાં આવી રહી હોવા છતાં તે પ્રમાણે ફોર્મ જ બહાર પાડવામાં આવતા નથી. કેટલીક વખત ફોર્મ બહાર પાડવામાં આવે તો છેલ્લી ઘડી સુધી તેમાં સુધારા વધારા કરવામાં આવતા હોય છે. તેના લીધે રિટર્નમાં સુધારા કરવાની પણ સ્‍થિતિ સર્જાતી હોય છે. તે જ પ્રમાણે ગત વર્ષે ઘણા કરદાતાઓએ રિટર્ન ભરી દીધા પછી શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્‍સની મર્યાદામાં સુધારો કરી દીધો હતો. જેથી રિટર્નમાં સુધારા કરવા પડયા હતા. તેમજ કરદાતાએ સુધારા કર્યા નહોતા તેને આઈટી વિભાગે નોટિસ પણ ફટકારી હોવાની વિગતો જાણવા મળી છે.(૩૮.૨)

 

(9:59 AM IST)