<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

કુપવાડા, બારામુલ્લા અને અખનૂરમાં આખી રાત ગોળીબારઃ સેનાએ આપ્‍યો જડબાતોડ જવાબ

સોમવારે મોડી રાત્રે પાકિસ્‍તાને ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યુ

જમ્‍મુ,તા.૨૯: જમ્‍મુ-કાશ્‍મીરમાં પહેલગામ હુમલા પછી પણ પાકિસ્‍તાનની નાપાક પ્રવળત્તિઓ ચાલુ છે. પાકિસ્‍તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ૨૮-૨૯ એપ્રિલની રાત્રે કાશ્‍મીરમાં નિયંત્રણ રેખા પાર પાકિસ્‍તાની સેનાની વિવિધ ચોકીઓ દ્વારા કોઈ ઉશ્‍કેરણી વિના ગોળીબાર કરવામાં આવ્‍યો હતો.

ભારતીય સેનાના જણાવ્‍યા અનુસાર, ૨૮-૨૯ એપ્રિલની રાત્રે, પાકિસ્‍તાની સેનાએ કુપવાડા અને બારામુલ્લા જિલ્લાઓ તેમજ અખનૂર સેક્‍ટરમાં નિયંત્રણ રેખા પર કોઈ ઉશ્‍કેરણી વિના ગોળીબાર કર્યો. ભારતીય સેનાએ પણ ગોળીબારનો અસરકારક જવાબ આપ્‍યો.

પાકિસ્‍તાની સેનાએ અનેક વિસ્‍તારોમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું

પહેલગામ હુમલા બાદ તણાવપૂર્ણ પરિસ્‍થિતિ વચ્‍ચે, પાકિસ્‍તાન જમ્‍મુ અને કાશ્‍મીરમાં નિયંત્રણ રેખા પર ભારતીય સૈન્‍ય ચોકીઓ પર ગોળીબાર કરી રહ્યું છે. રવિવારે રાત્રે પણ પાકિસ્‍તાને ભારતીય સેનાની આગળની ચોકીઓ પર હળવા હથિયારોથી ગોળીબાર કર્યો હતો. ભારતીય સેના પણ આનો યોગ્‍ય જવાબ આપી રહી છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્‍યા અનુસાર, પાકિસ્‍તાન દ્વારા કુપવાડામાં ગાડી હબીબુલ્લાહ, હાલન શુમાલી, અલિયાબાદ, ચકોઠી અને કેલા બાંડી વિસ્‍તારોમાંથી ગોળીબાર કરવામાં આવ્‍યો હતો. તે જ સમયે, ભટ્ટલ, કહુટા અને ફોરવર્ડ કહુટા વિસ્‍તારોમાંથી ગોળીબાર કરીને જમ્‍મુ વિભાગના પૂંછમાં ભારતીય ચોકીઓને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો.

જોકે, ગોળીબારમાં કોઈ નુકસાનના સમાચાર નથી. છેલ્લા પાંચ દિવસથી, પાકિસ્‍તાન કોઈપણ ઉશ્‍કેરણી વિના નિયંત્રણ રેખા પર ભારતીય સૈન્‍યની આગળની ચોકીઓને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

(10:17 AM IST)