તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
‘ઓપરેશન ક્લીન' - ચંડોળા તળાવ ડિમોલિશન : કુખ્યાત મહેમુદ પઠાણ ઉર્ફે લલ્લા બિહારીનું 2000 વારનું ગેરકાયદેસર વૈભવી ફાર્મહાઉસ ધ્વસ્ત
લલ્લા બિહારી ગેરકાયદે ધંધાઓનો મુખ્ય સૂત્રધાર : ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહી : મામલો પહોંચ્યો હાઈકોર્ટમાં

અમદાવાદ, 29 એપ્રિલ 2025: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો અને બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને શહેર પોલીસે મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધર્યું છે. ‘ઓપરેશન ક્લીન ચંડોળા’ અંતર્ગત કુખ્યાત લલ્લા બિહારીના 2000 વારના આલીશાન ફાર્મહાઉસને જમીનદોસ્ત કરાયું છે. આ ફાર્મહાઉસમાં એસી રૂમ, મીની સ્વિમિંગ પૂલ, ફુવારા, હીંચકા અને બગીચો જેવી વૈભવી સુવિધાઓ હતી. આ કાર્યવાહીમાં 60 JCB, 60 ડમ્પર અને 2000થી વધુ પોલીસકર્મીઓ સાથે AMCની હેલ્થ ટીમ સ્ટેન્ડબાય પર હતી. જોકે, આ ડિમોલિશનનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે, જ્યાં અરજદારોએ કાર્યવાહીને ગેરકાયદે ગણાવી છે.
લલ્લા બિહારી - ગેરકાયદે ધંધાનો મુખ્ય સૂત્રધાર:
લલ્લા બિહારી, જેનું અસલી નામ મહેમુદ પઠાણ છે, તેણે ચંડોળા તળાવની જગ્યા પર ગેરકાયદે કબજો જમાવી આલીશાન ફાર્મહાઉસ બનાવ્યું હતું. તે ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશરો આપી, વ્યક્તિ દીઠ 10,000થી 15,000 રૂપિયા ભાડું વસૂલતો હતો. પશ્ચિમ બંગાળના એજન્ટો દ્વારા બાંગ્લાદેશીઓને અમદાવાદ લાવી, નકલી દસ્તાવેજો તૈયાર કરાવતો હતો. આ ઉપરાંત, તે બાંગ્લાદેશી મહિલાઓનું શોષણ કરી દેહવ્યાપારમાં ધકેલતો હતો.
લલ્લા બિહારી ગરીબ રિક્ષાચાલકોને ઊંચા વ્યાજે લોન આપી, ચૂકવણી ન થાય તો રિક્ષાઓ જપ્ત કરી લેતો હતો. પોલીસે ફાર્મહાઉસના પાછળના ભાગમાંથી આવી જપ્ત રિક્ષાઓ કબજે કરી છે. આ ગેરકાયદે ધંધાથી તે દર મહિને 10 થી 12 લાખ રૂપિયા કમાતો હતો. ચંડોળા તળાવ વિસ્તાર, જે ‘મિની બાંગ્લાદેશ’ તરીકે ઓળખાય છે, ત્યાં લલ્લા બિહારી બાંગ્લાદેશથી આવતા લોકો માટે મુખ્ય સંપર્કસૂત્ર હતો. તેણે પાર્કિંગની જગ્યા પચાવી પાડીને ધીમે-ધીમે આખા વિસ્તાર પર કબજો જમાવ્યો હતો.
ફાર્મહાઉસમાં હોલ, સોફા, મોટિવેશનલ પોસ્ટર્સ, કિચન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગ્રીન નેટ અને ઝાડ-વેલથી શણગારેલો બગીચો હતો. આ ભવ્ય ફાર્મહાઉસ કોઈ હવેલીને ટક્કર આપે તેવું હતું. જોકે, કાર્યવાહી પહેલાં લલ્લા બિહારી નાસી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ડિમોલિશન દરમિયાન ક્રાઈમ બ્રાંચે મકાનોના તાળાં તોડી શંકાસ્પદ વસ્તુઓની તપાસ કરી. AMCની હેલ્થ ટીમ સ્ટેન્ડબાય પર હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ કાર્યવાહીને ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન ગણાવાય છે.
બીજી તરફ, આ ડિમોલિશન સામે કેટલાક અરજદારોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમનો આરોપ છે કે આ કાર્યવાહી કાનૂની નિયમોની વિરુદ્ધ છે અને ડિમોલિશન પહેલાં કોઈ નોટિસ આપવામાં આવી નથી. અરજદારોએ તાત્કાલિક સુનાવણીની માગ કરી છે, જેના પર હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવાઈ રહી છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
