<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

કેનેડામાં ખાલિસ્તાનીઓનો ખેલ ખતમ! ચૂંટણીમાં ખાલિસ્તાની સમર્થક જગમીત સિંહની કારમી હાર : વાંચો, ટ્રુડોનો ખેલ પણ કેવી રીતે પલટાયો?

ભારત વિરોધી જગમીત સિંહની એનડીપી પાર્ટીને કેનેડાની ચૂંટણીમાં કારમી હાર મળી : જગમીત સિંહે પોતાના પદેથી આપ્યું રાજીનામું : લિબરલ પાર્ટીની જીત : માર્ક કાર્ની ફરી બનશે વડાપ્રધાન

ઓટ્ટાવા: કેનેડાની સામાન્ય ચૂંટણીમાં ભારત વિરોધી જગમીત સિંહની એનડીપી પાર્ટીને કારમી હાર મળી છે. જેના કારણે જગમીત સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કેનેડા ચૂંટણી ૨૦૨૫ના પરિણામો આવતાની સાથે જ જગમીત સિંહની નેશનલ ડેમોક્રેટિક પાર્ટી (NDP) ૧૨ સીટો પણ જીતી શકી નથી. આ હાર સાથે જ પાર્ટીએ પોતાનો રાષ્ટ્રીય દરજ્જો ગુમાવી દીધો છે.
જગમીત સિંહ પોતાની ત્રીજી જીતની આશા રાખીને બેઠા હતા, પરંતુ બ્રિટિશ કોલંબિયામાં બર્નાબી સેન્ટ્રલ સીટ પરથી હારી ગયા. તેમની ટક્કર લિબરલ ઉમેદવાર વેડ ચાંગ સાથે હતી. સિંહને જ્યાં લગભગ ૨૭ ટકા વોટ મળ્યા, તો ચાંગને ૪૦ ટકાથી વધુ વોટ મળ્યા. જગમીત સિંહની પાર્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો અને તે પોતાનો રાષ્ટ્રીય દરજ્જો ગુમાવવા જઈ રહી છે, જેના માટે પાર્ટીઓએ ઓછામાં ઓછી ૧૨ સીટો જીતવી જરૂરી હોય છે. એનડીપીને ફક્ત ૭ સીટો પર જીત મળી છે. વલણમાં લિબરલ પાર્ટી ૧૬૫ સીટો પર આગળ છે જ્યારે ખાલિસ્તાની નેતા જગમીત સિંહ ચૂંટણી હારી ગયા છે. આ પછી જગમીત સિંહે X પર એક પોસ્ટ પણ લખી, જેમાં તેમણે લખ્યું, "હું જાણું છું કે આ રાત ન્યૂ ડેમોક્રેટ્સ માટે નિરાશાજનક છે. પરંતુ અમે ત્યારે જ હારીએ છીએ જ્યારે અમે એવા લોકો પર વિશ્વાસ કરીએ છીએ જે અમને જણાવે છે કે અમે ક્યારેય સારા કેનેડાનું સ્વપ્ન જોઈ શકતા નથી." ૪૬ વર્ષીય સિંહે કહ્યું કે તેઓ 'નિરાશ' છે કે એનડીપી વધુ સીટો જીતી શકી નહીં. તેમણે કહ્યું, 'પરંતુ હું મારા આંદોલનથી નિરાશ નથી, મને મારી પાર્ટી માટે થોડી આશા છે.'
જગમીત સિંહની સાથે જ પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને પણ કારમી હાર મળી છે. સાથે જ લિબરલ પાર્ટીને સત્તામાં આવવાની તક મળી છે. ગત ચૂંટણીમાં એનડીપીને ૨૪ સીટો મળી હતી. તેના સમર્થનથી જ જસ્ટિન ટ્રુડોએ ઘણા સમય સુધી પોતાની સરકાર ચલાવી. પોતાની સરકાર ચલાવવા માટે ટ્રુડો જગમીતનો સહયોગ લેતા રહ્યા હતા. હવે સમાચાર આવી રહ્યા છે કે કેનેડામાં થયેલી સામાન્ય ચૂંટણીમાં માર્ક કાર્ની વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. કેનેડામાં લિબરલ પાર્ટીએ સતત ચોથી વખત સરકાર બનાવવામાં સફળતા મેળવી છે. આ પહેલાં જાન્યુઆરીમાં જસ્ટિન ટ્રુડોએ પોતાની લિબરલ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને માર્ક કાર્ની વડાપ્રધાન બની ગયા હતા. હવે ખાલિસ્તાની સમર્થક માનવામાં આવતા ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (એનડીપી)ના પ્રમુખ જગમીત સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
શીખ સમુદાય સાથે સંબંધ રાખતા જગમીત સિંહ ભારતીય મૂળના કેનેડિયન નાગરિક છે. તેમનો જન્મ પંજાબના બરનાલા જિલ્લાના ઠીકરીવાલ ગામમાં થયો હતો. તેમનો પરિવાર ૧૯૭૦ના દાયકામાં કેનેડા જઈને સ્થાયી થયો હતો. જગમીત સિંહ ભારત વિરુદ્ધ ઝેર ઓકતા રહ્યા છે. પછી ભલે ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો હોય કે નાગરિકતા કાયદો. તેમણે કેનેડામાં પણ ખાલિસ્તાનીઓનું મનોબળ વધાર્યું છે. રાજનીતિમાં આવતા પહેલાં જગમીત વકીલાત કરતા હતા.

 

(12:54 PM IST)