<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

અમદાવાદના ચંડોળા તળાવ પર મેગા ડિમોલિશન : મુખ્યમંત્રીની હાજરીમાં ગૃહ રાજ્યમંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ અને બાંધકામો તોડી પાડવામાં આવ્યા : બાંગ્લાદેશી ઘૂસણખોરોનું કેન્દ્ર બન્યું હતું ચંડોળા

અમદાવાદ: શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર વસાહતો અને અતિક્રમણ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે ઈતિહાસનું સૌથી મોટું ‘ઓપરેશન ક્લીન ચંડોળા’ હાથ ધરવામાં આવ્યું. આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ અને બાંધકામો તોડી પાડવામાં આવ્યા. આ મામલે ગૃહ રાજ્યમંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ, જેમાં મુખ્યમંત્રી પણ સામેલ થયા. ગુજરાત હાઈકોર્ટે આ બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી છે.

બાંગ્લાદેશી ઘૂસણખોરોનું કેન્દ્ર બન્યું હતું ચંડોળા:
છેલ્લા 14 વર્ષમાં ચંડોળા તળાવની ભૂગોળ નોંધપાત્ર રીતે બદલાઈ ગઈ છે. 2010માં તળાવની આસપાસની હરિયાળી અને પાણી સંગ્રહ ક્ષમતા શહેરનો ગૌરવ હતી, પરંતુ 2025 સુધીમાં અહીં મોટા પાયે અતિક્રમણ થયું. સંયુક્ત પોલીસ કમિશનર (ક્રાઈમ) શરદ સિંઘલના જણાવ્યા અનુસાર, ચંડોળા તળાવનો વિસ્તાર ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે છુપાવાનું મુખ્ય કેન્દ્ર બની ગયું હતું. આ વિસ્તારમાં 1000થી વધુ ઘૂસણખોરોની હાજરી નોંધાઈ હતી. તળાવની જમીન પર ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ, કોંક્રિટના ઘરો, મસ્જિદો અને નાના કારખાનાઓ બની ગયા હતા, જેના કારણે તળાવનું કદ ઝડપથી ઘટ્યું.

આજે સવારથી શરૂ થયેલી આ મેગા ડિમોલિશન કાર્યવાહીમાં AMC અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી. મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓની હાજરીમાં ગેરકાયદેસર બાંધકામોને બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવ્યા. આ કાર્યવાહી પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સરકારે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે શરૂ કરેલા વિશેષ અભિયાનનો એક ભાગ છે.

ગુજરાત હાઈકોર્ટે આ કાર્યવાહી સામે દાખલ કરાયેલી તાત્કાલિક અપીલને ફગાવી દીધી અને બુલડોઝર કાર્યવાહી પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો. આ નિર્ણયથી સરકારના અતિક્રમણ વિરોધી અભિયાનને વધુ બળ મળ્યું છે.

આ મામલે વધુ ચર્ચા અને આગળની રણનીતિ નક્કી કરવા મુખ્યમંત્રી આજે કમિશનર ઓફ પોલીસ (CP) ઓફિસ પહોંચ્યા, જ્યાં ગૃહ રાજ્યમંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. આ બેઠકમાં ચંડોળા તળાવની આસપાસના વિસ્તારોને પુનઃસ્થાપિત કરવા અને ગેરકાયદેસર અતિક્રમણને રોકવા માટે લાંબા ગાળાની યોજનાઓ પર ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

ચંડોળા તળાવ, જે એક સમયે અમદાવાદના ઐતિહાસિક વારસાનું પ્રતીક હતું, તેની પુનઃપ્રાપ્તિ માટે સરકારનું આ અભિયાન નોંધપાત્ર પગલું ગણાય છે.

 

(3:39 PM IST)