<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

ક્રિકેટ મેચમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ની બૂમો પાડનારને ટોળાએ માર મારીને મોતને ઘાટ ઉતાર્યો : પોલીસે કાર્યવાહી હાથ ધરી

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે કર્ણાટકના મેંગલુરુમાં બનેલી ઘટના : પોલીસે ૧૫ લોકોની ધરપકડ કરી

મેંગલુરુ: કર્ણાટકના મેંગલુરુ નજીકના કુડુપુમાં એક ક્રિકેટ મેચ દરમિયાન ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવવા બદલ ટોળાએ એક વ્યક્તિને માર મારીને મોતને ઘાટ ઉતાર્યો છે. કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરે મંગળવારે આ ઘટનામાં એક વ્યક્તિના મોત બાદ ૧૫ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી આપી હતી.
પત્રકારો સાથે વાતચીત કરતા પરમેશ્વરે જણાવ્યું હતું કે, “ટોળા દ્વારા માર મારીને હત્યાની એક ઘટના સામે આવી છે. એક અજાણ્યો વ્યક્તિ સ્થાનિક ક્રિકેટ મેચ દરમિયાન ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવી રહ્યો હતો. કેટલાક લોકોએ ભેગા થઈને તેને માર માર્યો. બાદમાં તેનું મોત નીપજ્યું.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગળની તપાસ ચાલી રહી છે અને તેમણે લોકોને શાંતિ અને સદ્ભાવ જાળવી રાખવા અપીલ કરી હતી. કર્ણાટકના અન્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે પણ આ ઘટનાને “ઘાતકી ઘટના” ગણાવી હતી અને કહ્યું હતું કે પોલીસે આ કેસના સંદર્ભમાં ૧૫ લોકોની ધરપકડ કરી છે.
તેમણે કહ્યું હતું કે, “આ એક ખૂબ જ ઘાતકી ઘટના છે. પોલીસ તપાસ કરી રહી છે. માર્યા ગયેલા વ્યક્તિની ઓળખ મેળવવામાં આવી રહી છે. આ એક ગુનો છે અને એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. કાયદાનું શાસન બધા પર સમાન રીતે લાગુ થવું જોઈએ. પોલીસે ૧૫ લોકોની ધરપકડ કરી છે.”
આ ઘટના એવા સમયે બની છે જ્યારે પહેલગામમાં ૨૨ એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. હુમલાના જવાબમાં ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે અને પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા તમામ માન્ય વિઝા રદ કરી દીધા છે. વિદેશ મંત્રાલયે તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારત દ્વારા પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા તમામ વર્તમાન માન્ય વિઝા ૨૭ એપ્રિલ ૨૦૨૫ થી રદ કરવામાં આવ્યા છે. પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા મેડિકલ વિઝા ફક્ત ૨૯ એપ્રિલ ૨૦૨૫ સુધી જ માન્ય રહેશે.”

(5:53 PM IST)