<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

વડાપ્રધાન નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક સમાપ્ત : રાજનાથ સિંહ, ડોભાલ, ત્રણેય સેનાના વડા અને CDS સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા

પહેલગામ આતંકવાદી હુમલા બાદ સુરક્ષા સ્થિતિની સમીક્ષા માટે દિલ્હીમાં બે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ : જમ્મુ-કાશ્મીરમાં આતંક વિરોધી અભિયાન વધુ તેજ કરાયું

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ૨૨ એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલા બાદ દેશની સુરક્ષા વ્યવસ્થાને લઈને સરકાર સક્રિય બની છે અને સુરક્ષા સંબંધિત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. મંગળવારે દિલ્હીમાં બે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. પ્રથમ બેઠક ગૃહ મંત્રાલયમાં યોજાઈ હતી, જેમાં વિવિધ સુરક્ષા દળોના વડાઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, સીમા સુરક્ષા દળ (BSF), આસામ રાઈફલ્સ, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG)ના મહાનિર્દેશક અને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) તેમજ કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા.
ત્યારબાદ, વડાપ્રધાનના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નિવાસસ્થાને ચાલેલી આ બેઠકમાં સેના, વાયુસેના અને નૌસેનાના વડાઓ તેમજ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અનિલ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી.
બેઠક સાથે જોડાયેલા સૂત્રોએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં અનેક સ્થળોએ આતંક વિરોધી સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનોની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને બેઠકની વિગતો ગુપ્ત રાખવામાં આવી છે. ગત સોમવારે જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકવાદીઓના ઠેકાણાઓ અને તેમને મદદ કરનારાઓ પર લગામ કસવા માટે ડોડા જિલ્લામાં ૧૩ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જ્યારે શ્રીનગર પોલીસે શહેરભરમાં ઓવર ગ્રાઉન્ડ વર્કર્સના ઠેકાણાઓ પર તલાશી અભિયાન ચલાવ્યું હતું. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ તલાશી જમ્મુ-કાશ્મીર પોલીસના અધિકારીઓની દેખરેખ હેઠળ કાર્યકારી મેજિસ્ટ્રેટ અને સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં યોગ્ય કાયદાકીય પ્રક્રિયાઓ અનુસાર લેવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે શ્રીનગર શહેરમાં ૩૬ સ્થળોએ તલાશી લેવામાં આવી હતી, જેમાંથી મોટાભાગના પરિસર આતંકવાદીઓ અથવા આતંકવાદીઓ સાથે સહાનુભૂતિ રાખનારાઓના છે. આતંકવાદ વિરોધી અભિયાનો હેઠળ સુરક્ષા દળોએ ખીણમાં માત્ર છ દિવસમાં ૬૦૦ થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે અને સેંકડો શંકાસ્પદોની પૂછપરછ કરી છે.

 

(7:22 PM IST)