News of Wednesday, 30th April 2025
૧ પતિને બે પત્નીઃ એક હિન્દુસ્તાની એક પાકિસ્તાની, પહેલીએ કહ્યું....આને પાકિસ્તાન મોકલી દો
મેહવિશ અને ફરીદા બંને આમને-સામને...રાજસ્થાનનો રસપ્રદ કિસ્સો

ચૂરુ,તા.૩૦: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ચૂરુ જિલ્લાના પીથીસર ગામમાં રહેતી પાકિસ્તાની વહુ મેહવિશની મુશ્કેલીઓ વધતી જાય છે. ભારત સરકાર તરફથી પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા માટે આપેલા આદેશ બાદ મેહવિશના પતિ રહમાનની પહેલી હિન્દુસ્તાની પત્ની ફરીદાએ તેને પાછી પાકિસ્તાન મોકલી દેવાની માગ કરી છે. ત્યાર બાદ મેહવિશે પણ ચૂરુ એસપીને અપીલ કરી છે. મેહવિશ અને ફરીદા બંને આમને-સામને થઈ ગઈ છે.
મેહવિશે કહ્યું કે, ભારત સરકાર તેના પર રહેમ કરે. તેને ભારત ખૂબ જ સારુ લાગે છે અને તે પાકિસ્તાન જવા નથી માગતી. તેણે પોતાની અરજીમાં લખ્યું કે, તે ભારત અને રાજસ્થાન સરકારના તમામ દિશા-નિર્દેશોનું પાલન કરવા માટે તૈયાર છે. હકીકતમાં જોઈએ તો, પાકિસ્તાનના લાહોરની રહેવાસી મેહવિશે ચૂરુ જિલ્લાના પીથીસર ગામના રહેવાસી બે બાળકોના પિતા રહમાન સાથે લગ્ન કર્યા. જુલાઈ ૨૦૨૪થી મેહવિશ પોતાના સાસરિયામાં રહે છે. આ દરમિયાન તેણે બે વાર વિઝાનો સમય લંબાવ્યો અને તે અહીં જ રહેવા માગે છે. રહમાનની પહેલી પત્ની ફરીદા હનુમાનગઢ જિલ્લાના ભાદરામાં પોતાના પિયરમાં બાળકો સાથે રહે છે.
ફરીદાએ શુક્રવારે ચૂરુ એસપી ઓફિસે પહોંચીને મેહવિશને પાકિસ્તાન મોકલી દેવાની માગ કરી છે. તેણે આરોપ લગાવ્યો કે, મેહવિશ ભારતની સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે. ત્યાર બાદ મેહવિશે કહ્યું કે, મારી સરકારને વિનંતી છે કે, તેઓ અમારા પર રહેમ કરે. હું અહીંથી જવા નથી માગતી. આ દેશ મને ખૂબ જ સારો લાગે છે. કાશ્મીરમાં જે થયું તેનું અમને દુઃખ છે. તેનું કહેવું છે કે, જે લોકોએ આ કામ કર્યું તેની સજા મળવી જોઈએ.
મેહવિશ કહે છે કે, હું લગ્ન કરીને આવી છું. મારી પાછળ ન મા છે ન બાપ છે. હું અહીં જ રહેવા માગું છું. હું અહીંથી કયાં જઈશ. હું પાકિસ્તાન જવા નથી માગતી. સરકારને વિનંતી છે કે, મને અહીં રહેવા દો. મેહવિશે જણાવ્યું કે, તેણે લોંગ ટર્મ વિઝા પણ અપ્લાય કરેલા છે. ૯ મહિનાથી અહીં શાંતિથી રહું છું. હું મારા સાસરિયામાં ખુશ છું. તેમના તરફથી મને પ્રેમ અને ઇજ્જત મળી છે. મને ઈન્ડિયા ખૂબ જ સારુ લાગે છે અને હું અહીં જ રહેવા માગું છું.
રહમાનની પહેલી પત્ની ફરીદા તરફથી લગાવવામાં આવેલા આરોપ પર મેહવિશે કહ્યું કે, તેના આરોપ લગાવવાથી મને કોઈ ફરક નથી પડતો. તે મને અહીંથી કાઢવા માટે કહી રહી છે. પણ હું લગ્ન કરીને આવી છું. જો સરકાર મને કહેશે તો હું જતી રહીશ, પણ બીજા કોઈને કહેવા પર નહીં જાઉં.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
