News of Wednesday, 30th April 2025
૧લી મે : ગુજરાત સ્થાપના દિન : બે દાયકામાં વિકાસની રાજનીતિથી ગુજરાત દેશનું ‘રોલ મોડેલ’ બન્યું
વડાપ્રધાનના ‘વિકસિત ભારત’ના લક્ષ્યને સાકાર કરવામાં ગુજરાતનું મહત્વપૂર્ણ યોગદાન : દેશના GDPમાં ૮.૨ ટકા અને કુલ નિકાસમાં ૩૦ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે ગુજરાત

ગાંધીનગર : ગુજરાત આજે પોતાનો ૬૫મો સ્થાપના દિન ઉજવી રહ્યું છે, ત્યારે છેલ્લા બે દાયકામાં રાજ્યે વિકાસની રાજનીતિમાં એક નવો અધ્યાય લખ્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૧માં વિકાસનો જે પાયો નાખ્યો હતો, તેના પરિણામે આજે ગુજરાત દેશમાં ‘રોલ મોડેલ’ તરીકે ઉભરી આવ્યું છે. રાજ્ય સરકારે હકારાત્મક અભિગમ અને જનભાગીદારીથી વિકાસની આ યાત્રાને અવિરતપણે આગળ ધપાવી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ વિકાસની ગતિને જાળવી રાખી છે. આજે ગુજરાત ભારતની વસતિના માત્ર ૫ ટકા અને જમીનના ૬ ટકા ભાગ હોવા છતાં દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) માં ૮.૨ ટકા જેટલો ફાળો આપે છે અને દેશના ટોચના પાંચ અર્થતંત્ર ધરાવતા રાજ્યોમાં સ્થાન ધરાવે છે.
ગુજરાત માત્ર સમૃદ્ધ ભૂતકાળ જ નહીં, પરંતુ ભવિષ્ય માટે પહેલ કરનારી અગ્રગણ્ય શક્તિ પણ છે. અહીં પરંપરા અને આધુનિકતાનો સમન્વય જોવા મળે છે. રાજ્યમાં ગિફ્ટ સિટી, સાયન્સ સિટી, ધોલેરા સ્માર્ટ સિટી જેવા આધુનિક પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, તો પર્યાવરણને ધ્યાનમાં રાખીને ગ્રીન બિલ્ડિંગ્સ પણ બનાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, ગુજરાત દેશની કુલ નિકાસમાં આશરે ૩૦ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે, જેમાં પેટ્રોકેમિકલ, ફાર્માસ્યુટિકલ્સ અને ટેક્સટાઇલ જેવા મુખ્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે. એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન ગુજરાતની કુલ નિકાસ ૮૮.૧૬ બિલિયન યુ.એસ. ડોલર રહી હતી, જે દેશના કુલ નિકાસના ૨૭.૪૦ ટકા છે.
ગુજરાત પોલિસી આધારિત રાજ્ય તરીકે દેશભરમાં એક મોડેલ સ્ટેટ સાબિત થયું છે. રાજ્ય સરકારે છેલ્લા ૨૦ વર્ષોમાં વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે સ્પોર્ટ્સ પોલિસી, ટુરિઝમ પોલિસી અને સેમિકન્ડક્ટર પોલિસી જેવી અનેક નીતિઓ જાહેર કરી છે. ડિજિટલ ક્રાંતિના માધ્યમથી ગુજરાત આજે ગામડાંથી લઈને વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી રહ્યું છે. “ઈ ગ્રામ વિશ્વગ્રામ” અને ડિજિટલ સેવા સેતુ જેવી યોજનાઓએ ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ અને સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવી છે. “ગરવી” એપ દ્વારા વિદેશમાં રહેતા ગુજરાતીઓ પણ પોતાની મિલકત સંબંધિત કામગીરી ઓનલાઇન કરી શકે છે.
ગુજરાત સ્ટાર્ટઅપ મિશન અને આઈ-હબ જેવી પહેલો યુવાનોને નવી તકો પૂરી પાડી રહી છે. રોજગાર વાંચ્છુકોને રોજગારી આપવામાં પણ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. પ્રવાસન ક્ષેત્રે પણ ગુજરાતનો વિકાસ નોંધપાત્ર છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ આજે દેશનું સૌથી મોટું પ્રવાસન કેન્દ્ર બન્યું છે. ગીરના સિંહો અને કચ્છના રણોત્સવ જેવા સ્થળો ગુજરાતના ગૌરવપૂર્ણ વારસાને જીવંત રાખે છે.
આમ, ગુજરાત આજે માત્ર એક ઔદ્યોગિક રાજ્ય નથી, પરંતુ ટેકનોલોજી અને ઇનોવેશનના ક્ષેત્રમાં પણ અગ્રેસર બની રહ્યું છે. ગિફ્ટ સિટી દેશનું પહેલું ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર છે, જે આધુનિક સેવાઓ પૂરી પાડે છે. રાજ્યએ દેશ-વિદેશના રોકાણકારોને આકર્ષવા માટે ‘વાઈબ્રન્ટ ગુજરાત સમિટ’ જેવી સફળ પહેલો કરી છે અને તાજેતરમાં ટેસ્લા અને માઇક્રોન જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કરવામાં રસ દાખવ્યો છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ ગુજરાતના વિકાસની ગતિને વધુ વેગ આપી રહ્યા છે. (આલેખન - ઋચા રાવલ)
(12:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
