<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

આતંક પર મોટા પ્રહારની તૈયારીઃ સંયુકત રાષ્‍ટ્રના સુરક્ષા પરિષદના રાજયોને સાધી રહયું છે ભારત

૭ દેશના મંત્રીઓ સાથે જયશંકરે કરી વાત

નવી દિલ્‍હીઃ એક તરફ વડાપ્રધાન મોદીએ સૈન્‍યદળોને પહલગામમાં પર્યટકો પર હુમલો કરનાર આતંકીઓ પર કાર્યવાહી કરવાની ખુલ્લી છુટ આપી દીધી છે તો બીજી તરફ ભારતે વૈશ્વીક સમુદાયને પોતાની વાત સમજાવવાની પહેલ પણ તેજ કરી દીધી છે.

આ ક્રમમાં વિદેશમંત્રી જયશંકરે સંયુકત રાષ્‍ટ્ર સુરક્ષા પરીષદના સાત અસ્‍થાયી સભ્‍યો સાથે ટેલીફોન પર વાત કરી. આ દેશો છે ગુયાના, ગ્રીસ, સ્‍લોવેનીયા, પનામા, સોમાલીયા, સિએરા લીઓન અને અલ્‍જીરીયા. પાકીસ્‍તાન પણ અત્‍યારે સુરક્ષા તરફથી આતંકીઓ પર કોઇ પ્રકારની સૈનીક કાર્યવાહી થવાની સ્‍થિતીમાં ભારત વિરૂધ્‍ધ પ્રસ્‍તાવ લાવી શકે છે.

અસ્‍થાયી સભ્‍ય દેશોની સાથે ભારતીય વિદેશમંત્રીના સંપર્કને આ સંદર્ભમાં જોવાઇ રહયો છે. ઉકત દેશો ઉપરાંત દક્ષીણકોરીયા અને ડેન્‍માર્ક પણ સુરક્ષા સમીતીના અસ્‍થાયી સભ્‍યો છે. આતંકીઓએ પહલગામ હુમલો કર્યો એ જ દિવસથી ભારત વૈશ્વીક સમુદાય વચ્‍ચે પોતાની વાત રાખી રહયું છે. પહેલા બે દિવસમાંજ વડાપ્રધાન મોદીએ ૧૬ દેશોના વડાઓ સાથે વાત કરી હતી, જયારે વિદેશમંત્રી જયશંકરે પણ લગભગ રપ દેશોના વિદેશમંત્રીઓ સાથે અલગ-અલગ વાત કરી છે.

સુરક્ષા સમીતીના જે અસ્‍થાયી સભ્‍યો સાથે જયશંકરની વાત થઇ છે. તેમાંથી ઘણાં દેશો સાથે ભારતની પારંપરીક રણનીતીક ભાગીદારી છે. ગ્રીસના વિદેશમંત્ર જયોર્જ ગેરાપેટ્રીટીસ સાથે વાતચીત પછી જયશંકરે કહયું કે પહલગામ આતંકી હુમલા પર વાત થઇ છે. ગ્રીસ સીમા પાર આતંકવાદ વિરૂધ્‍ધ કડક વલણ ધરાવે છે જેનું અમે સ્‍વાગત કરીએ છીએ.

(3:37 PM IST)