<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

ફોક્સવેગન અને સ્કોડા કારમાં મોટી ટેકનિકલ ખામી :47 હજારથી વધુ કાર પાછી મંગાવાઈ

સ્કોડા ઓટો ફોક્સવેગન ઈન્ડિયાએ 24 એપ્રિલ, 2024 થી 1 એપ્રિલ, 2025 વચ્ચે ભારતમાં ઉત્પાદિત કારોને રિકોલ કરી

મુંબઈ :ફોક્સવેગન અને સ્કોડા કારમાં એક મોટી ટેકનિકલ ખામી જોવા મળી છે. જેના કારણે સ્કોડાની Kylaq, Kushaq અને Slavia કારને પાછી મંગાવી છે. બીજી બાજુ, ફોક્સવેગનના Volkswagen Tiguan અને Volkswagen Virtusમાં પણ આ જ સમસ્યા જોવા મળી છે. જેના કારણે ફોક્સવેગને આ બંને કારને પણ પાછી મંગાવી છે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM) ના ડેટા અનુસાર, આ બંને કંપનીઓની ભારતમાં બનેલી કારમાં આ ટેકનિકલ સમસ્યાઓ જોવા મળી છે.

SIAM ના ડેટા અનુસાર સ્કોડા ઓટો ફોક્સવેગન ઈન્ડિયાએ 24 એપ્રિલ, 2024 થી 1 એપ્રિલ, 2025 વચ્ચે ભારતમાં ઉત્પાદિત કારોને પાછી મંગાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કારના પાછળના ભાગમાં આપવામાં આવેલા સીટબેલ્ટમાં કેટલીક સમસ્યા જોવા મળી છે. આ રિકોલ આને ઠીક કરવા માટે કરવામાં આવ્યું છે.

સ્કોડાએ તાજેતરમાં જ ભારતીય બજારમાં તેની સૌથી સસ્તી કાર Kylaq લોન્ચ કરી છે. SIAM ના ડેટા અનુસાર, સ્કોડા કારના 25,722 યુનિટ પાછા મંગાવવામાં આવ્યા છે. જેમાં Kylaq, Kushaq અને Slaviaનો સમાવેશ થાય છે. એવું જાણવા મળ્યું કે આગળની અથડામણની સ્થિતિમાં, "પાછળની સીટબેલ્ટ બકલ લેચ પ્લેટ તૂટી શકે છે અને પાછળના કેન્દ્ર સીટબેલ્ટ એસેમ્બલી અને પાછળના જમણા સીટબેલ્ટ બકલના વેબિંગને નુકસાન થઈ શકે છે". આનાથી પાછળની સીટ પર બેઠેલા મુસાફરોની સલામતી જોખમાઈ શકે છે.

ફોક્સવેગનની Volkswagen Tiguan એસયુવી અને વર્ચસ સેડાનમાં પણ આ જ સમસ્યા જોવા મળી છે. આ રિકોલથી કુલ 21,513 ફોક્સવેગન કાર પ્રભાવિત થઈ છે, જેને પાછી મંગાવવામાં આવી છે. એટલે કે જો આપણે બંને કંપનીઓની કારની સંખ્યા ઉમેરીએ, તો અંદાજે 47,235 યુનિટ કાર રિકોલ કરવામાં આવી છે.

દરેક રિકોલની જેમ વાહન ઉત્પાદક ગ્રાહકોનો સીધો સંપર્ક કરશે અને વાહનોને નજીકના ડીલરશીપ પર મંગાવવામાં આવશે. જ્યાં ગાડીઓની તપાસ કર્યા પછી, જરૂરી સમારકામ અથવા ભાગો બદલવાની કામગીરી કરવામાં આવશે. આ માટે ગ્રાહકો પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં, આ સેવા સંપૂર્ણપણે મફત ઉપલબ્ધ રહેશે. ફોક્સવેગન અને સ્કોડા આ રિકોલથી પ્રભાવિત કાર માલિકોનો કોલ, મેસેજ અથવા ઈ-મેલ દ્વારા સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત ગ્રાહકો તેમની નજીકની ડીલરશીપ પરથી પણ આ વિશે સીધી માહિતી મેળવી શકે છે.

(6:39 PM IST)