<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

ભારતની પાકિસ્તાનને આકરી ચેતવણી : યુદ્ધવિરામનું ઉલ્લંઘન બંધ કરો : ભારત અને પાકિસ્તાનના સૈન્ય અધિકારીઓ વચ્ચે હોટલાઇન પર વાતચીત થઈ

પહેલગામ હુમલા બાદ સરહદ પર પાકિસ્તાનનો સતત ગોળીબાર : ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ :મોટી કાર્યવાહીની ચેતવણી

નવી દિલ્હી: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ વધી ગયો છે. પાકિસ્તાન દ્વારા સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કરવામાં આવી રહ્યો છે, જેનો ભારતીય સેનાએ મજબૂત અને કડક જવાબ આપ્યો છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને પાકિસ્તાનના સૈન્ય અધિકારીઓ વચ્ચે હોટલાઇન પર વાતચીત થઈ હતી, જેમાં ભારતે પાકિસ્તાનના આ વર્તન સામે સખત વિરોધ નોંધાવ્યો હતો અને ભવિષ્યમાં આવા કૃત્યો સહન નહીં કરવામાં આવે તેવી સ્પષ્ટ ચેતવણી આપી હતી.
ભારતીય સેનાના અહેવાલ અનુસાર, ૨૯-૩૦ એપ્રિલની રાત્રે પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરના નૌશેરા, સુંદરબની અને અખનૂર સેક્ટરમાં કોઈપણ પ્રકારની ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો. આ પહેલા પણ પાકિસ્તાની સેના કુપવાડા, બારામુલ્લા, પૂંચ, રામપુર અને તુટમારી ગલી જેવા વિસ્તારોમાં સતત ગોળીબાર કરી રહી છે. હવે આ ગોળીબાર માત્ર નિયંત્રણ રેખા (એલઓસી) સુધી જ સીમિત નથી રહ્યો, પરંતુ આંતરરાષ્ટ્રીય સરહદ સુધી પણ ફેલાઈ ગયો છે.
ભારતીય સેનાએ પાકિસ્તાનના દરેક ગોળીબારનો સખત જવાબ આપ્યો છે. ભારતનું માનવું છે કે પાકિસ્તાનની આ કાર્યવાહી ભારતની આતંકવાદ સામેની કડક નીતિના કારણે પેદા થયેલા ડરનું પરિણામ છે. પાકિસ્તાનને ભય છે કે ભારત આ વખતે બાલાકોટ અને પુલવામા હુમલાના જવાબમાં તેનાથી પણ મોટી કાર્યવાહી કરી શકે છે.

 

(7:36 PM IST)