<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

ભાઈ ભાઈઃ ૧ કિલો કેરીનો ભાવ ૩ લાખ રુપિયાઃ બગીચામાં દેખરેખ માટે ગાર્ડ અને CCTV કેમેરા

કોલકાતાના મધ્‍યમગ્રામના શિવમ ગાર્ડનમાં લાખો રૂપિયાની જાપાની મિયાઝાકી કેરી જોવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે

કોલકાતા,તા.૦૧: કોલકાતાના મધ્‍યમગ્રામ વિસ્‍તારના શિવમ ગાર્ડનમાં હાલમાં એક ખાસ કેરી જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ રહી છે. આ કેરી કોઈ સામાન્‍ય કેરી નથી, પણ જાપાનમાં ઉગતી ખૂબ જ કિંમતી મિયાઝાકી કેરી છે. જેની કિંમત એક લાખ રૂપિયાથી પણ વધારે હોવાનું કહેવાય છે.

કેરીની સુરક્ષા માટે ગાર્ડ અને સીસીટીવી કેમેરા લગાવ્‍યા છે. ગાર્ડનના માલિક બપ્‍પી સિન્‍હા રોયે તેને શોખથી લગાવી છે, પણ હવે આ કેરી સમગ્ર વિસ્‍તારમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

બપ્‍પી સિન્‍હા રોયે જણાવ્‍યું કે, આ મિયાઝાકી કેરીના ઝાડને લગાવવામાં ઘણો ખર્ચો થાય છે અને તેની દેખરેખમાં કોઈ કસર રાખવામાં નથી આવી. એક ખાસ માળી તેને રોજ સંભાળે છે. ચોરી અથવા નુકસાનથી બચવા માટે ૨૪ કલાક સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરા પણ લગાવ્‍યા છે. આ કેરી હવે એક ફળ નહીં પણ એક કિંમતી ધરોહર બની ગઈ છે.

તમે વિચારી રહ્યા હશો કે આખરે આ કેરીમાં એવું તે શું છે કે તે આટલી મોંઘી છે. મિયાઝાકી કેરી જાપાનમાં ઉગાડવામાં આવે છે અને તેની કિંમત વિદેશોમાં અઢીથી ત્રણ લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે. તેનો રંગ લાલ અને સોનેરી હોય છે. સ્‍વાદ મીઠો અને ખાસ સુગંધવાળો હોય છે. આ કેરી શરીરમાં કોલેસ્‍ટ્રોલ ઘટાડે છે અને કેન્‍સર જેવી બીમારીઓથી બચાવે છે.

શિવમ ગાર્ડનમાં ખાલી મિયાઝાકી જ નહીં પણ અલ્‍ફાંસો અને થાઈલેન્‍ડની કેળા જેવા આકારની કેરી પણ લગાવી છે. અલ્‍ફાંસોની કિંમત ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયા ડઝન સુધી હોય છે.

જો કે, લોકોની નજરમાં હવે ખાલી મિયાઝાકી કેરી જ છવાયેલી છે. આ ગાર્ડનમાં લોકો રોજ આવી રહ્યા છે. ફોટો ખેંચાવે છે અને નજીકથી જોવાનો મોકો લઈ રહ્યા છે.

ગાર્ડનના માલિક બપ્‍પી સિન્‍હા રોયે જણાવ્‍યું કે, તેમણે આ મિયાઝાકી કેરીના ઝાડને ખાલી પોતાના શોખ માટે ઉગાડ્‍યું છે. તેઓ તેને વેચવા નથી માગતા. તેમણે કહ્યું કે, લોકો તેને જોવા આવી રહ્યા છે અને અમે તેના માટે કોઈ પૈસા નથી લઈ રહ્યા. મને ખુશી છે કે, મારા દ્વારા લગાવેલું ઝાડ લોકો માટે આકર્ષણ બની ગયું.ૅ

હવે શિવમ ગાર્ડન ખાલી વ્‍યક્‍તિગત ગાર્ડન નથી પણ મધ્‍યમગ્રામમાં એક નવું ટૂરિસ્‍ટ સ્‍પોટ બની ગયું છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. કેરીની સુરક્ષા, તેનો રંગ રૂપ અને દુર્લભતા તેને ખાસ બનાવી છે. લોકો દૂર દૂરથી તેને જોવા આવી રહ્યા છે.(૪૦.૬)

(9:58 AM IST)